સબંધનું નવું નામ

“ મમ્મી , તારે એ અંકલ સાથે શો સબંધ છે તે તું મને કહીશ ? એ અંકલ દરરોજ આપણા ઘેર કેમ આવે છે ? મારે તમારો સબંધ જાણવો છે ..” કાળજું ચીરી નાખે અને હૈયાની આરપાર નીકળી જાય તેને લોહીથી દદડતું કરી દે એવો ધારદાર સવાલ લોપાએ પૂછ્યો હતો સુમતિને …! સુમતિ ઘડીભર તો અવાચક જ થઇ ગઇ , …. આ હમણાં જ સોળમા વર્ષમાં પ્રવેશેલી છોકરી –તેની પોતાની પુત્રી તેને આવો પ્રશ્ર્ન પૂછશે તેવી તો તેણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય …! લોપાએ તેની માને પ્રશ્ર્ન પૂછતાં તો પૂછી નાખ્યો પણ તેનો જવાબ મેળવવાની રાહ જોયા વિના જ ખભે પર્સ લટકાવી ,” હું ક્લાસમાં જાઉં છું “ કહીને ઘરની બહાર નીકળી ગઇ .

લોપા જતી તો રહી , પણ તેણે પૂછેલો પ્રશ્ર્ન કેટલીયેવાર સુધી એ ખંડમાં પડઘાતો રહ્યો .સુમતિની છાતીમાં અથડાતો રહ્યો . અને એ પ્રશ્ર્નના મારાથી જ સુમતિ દૂરના – લગભગ સોળ-સત્તર વરસ પહેલાંના ભૂતકાળમાં ધકેલાઇ ગઇ …!

એ એરકન્ડીશન્ડ ઓફિસ …. અને તેમાંય મેનેજર-કમ-માલિક સુબોધચંદ્ર …. તેમની પર્સનલ આસિસ્ટન્ટ સુમતિ …! બંધ કેબીન … દરવાજામાં પુશડોર તો ખરૂં જ …પણ સાથે કાયમ લટકતો રહેતો પડદો . બારણાની બહાર બેસી રહેતો મલય …પટાવાળો …! હા…. તેનો એક વખતનો પતિ – દુનિયાની દષ્ટિએ તેનો પતિ તથા આ અબુધ છોકરી લોપાનો બાપ ….. !

તેણે ગ્રેજ્યુએશન કર્યા પછી તરત જ એ કંપનીની પર્સનલ આસિસ્ટન્ટની જાહેરાત આવી હતી , તેણે જે દિવસે જાહેરાત આવી તે જ દિવસે પોતાનું રીઝ્યુમ મોકલી આપ્યું હતું , રીઝ્યુમ પણ તેણે પોતાના હિરોઇન જેવા ફોટાવાળું આકર્ષક બનાવ્યું હતું એટલે … તેણે રીઝ્યુમ મોકલ્યું તેના ચોથા જ દિવસે તેના ઉપર ફોન આવ્યો – રૂબરૂ મુલાકાત માટે બોલાવતો ..! તે આપેલ તારીખે કંપનીની ઓફિસે પહોંચી ગઇ …આમેય તેને નોકરીની તાત્કાલિક જરૂર હતી . બાપ તો હતા જ નહીં …કદાચ તે તેર મહિનાની હતી ત્યારે જ એક એક્સીડંટમાં ખલાસ થઇ ગયા હતા . ગરીબ મધ્યમવર્ગનું કુટુંબ હતું તેનું . મા લોકોને ત્યાં કપડાં-વાસણ અને કચરા-પોતાંનું કામ કરી ઘર ચલાવતી હતી .તેની માની તેને ભણાવવા જેટલી પણ હેસિયત નહોતી પણ …. તે તેની જાતે ભણી હતી એમ કહીએ તો પણ ખોટું નહોતું . સુમતિ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતી એટલે તેની ફી માફ થતી હતી અને ઉપરથી સ્કોલરશીપ મળતી હતી . આ સિવાય પણ તે કોલેજમાં આવી ત્યારથી જ ટ્યુશનો ભણાવતી હતી , એકાદ-બે ક્લાસમાં જતી અને થોડાંક પર્સનલ ટ્યુશન કરી પોતાના ખર્ચા જેટલું કમાઇ લેતી હતી અને એટલે જ તેની માએ ક્યારેય તેના ભણવાની અદેખાઇ કરી નહોતી , તે માને પણ જરૂર પડે તો મદદરૂપ થતી હતી . પરિણામે કોલેજ પૂરી થઇ તે સાથે જ તેણે નોકરી મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા . અને આ પહેલી જ કંપનીમાં તે ઇન્ટરવ્યુ આપવા આવી હતી . બોસની કેબિનની બહાર જ મલય બેઠેલો હતો , તેણે પોતે ઇન્ટરવ્યુ માટે આવી છે એમ કહ્યું એટલે મલય અંદર ગયો . કેબિનની બહાર સુબોધચંદ્રના નામનું બોર્ડ લટકતું હતું , તેના પરથી તેને ખ્યાલ આવી ગયો કે મેનેજરનું નામ સુબોધચંદ્ર છે . તેની આ ઝીણું ઝીણું અવલોકન કરવાની ટેવ પણ તેને તેજ વખતે કામમાં લાગી . તેના અંદર પ્રવેશવાની સાથે જ તેને પૂછવામાં આવ્યું કે “આ કંપનીના મેનેજરનું નામ જાણો છો ? “ તેણે તરતજ કહ્યું ,” ઓફ કોર્સ , મિ.સુબોધચંદ્ર “ બોસ તેની વાક્પટુતાથી અંજાઇ ગયા , અધૂરૂં હતું તે તેના રુપ અને નખરાંએ પૂરૂં કરી નાખ્યું . આમેય સુબોધચંદ્ર શોખીન માણસ હતા અને તેમના શોખ પૂરા કરી શકે તેવી આક્ર્ષક અને રૂપવતી હોય તેવી જ આસિસ્ટન્ટની તેમને જરૂર હતી . સુબોધચંદ્ર જેવી સેક્રેટરી ઇચ્છતા હતા તેવા બધા જ ગુણ તેમને સુમતિમાં પ્રથમ દષ્ટિએ જ દેખાયા .માત્ર એટલું જ નહીં પણ … સુમતિએ પગાર માટે જે ડિમાન્ડ મૂકી તે પણ કોઇપણ જાતના બાર્ગેનીંગ વગર જ મંજૂર કરી દેવામાં આવી . સુમતિ ખુશ હતી , તેની મા પણ ખુશ હતી , તેમને લાગતું હતું કે હવે તેમના દુ:ખના દહાડા પૂરા થશે …! અને તેઓ બે પૈસે થશે …સુખનો સૂરજ ઉગશે …! તેની માને તો હતું કે હવે બહુ જલ્દીથી સુમતિના હાથ પીળા કરી શકાશે ..! પણ ભાવિના ભેદ કોણ ઉકેલી શક્યું છે ? તેની માને ક્યાં ખબર હતી કે તેની એકની એક લાડકવાયી દિકરીના નસીબમાં વિધવા પણ ના કહેવાય અને સધવા પણ ના કહેવાય તેવો વિચિત્ર યોગ લખાયેલો છે અને તેની લાડકીએ છતા પતિએ વિયોગ સહન કરવાનો છે …! ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?! સુમતિની વિચારધારા તો અટકવાનું નામ જ નહોતી લેતી ત્યાં જ તેના મોબાઇલની રીંગ વાગી , તેણે સ્ક્રીન ઉપર નામ વાંચ્યું “ સ્વીટહાર્ટ “ …હા… એટલે કે સુબોધચંદ્ર …. ના… ના… અત્યારે તે સુબોધચંદ્રનો ફોન લેવાના મૂડમાં જ નહોતી …! તેની જ પુત્રી લોપાએ તેના દિલમાં જે આગ લગાડી હતી તે તેને અત્યારે તો એવી દઝાડતી હતી કે ના પૂછો વાત …! તે પોતાના બધા જ હોશકોશ કદાચ ગુમાવી બેઠી હતી એટલે તેણે ફોન કટ કરી નાખ્યો . ખરેખર કેટલી કરૂણ પરિસ્થિતિ ઉભી થઇ હતી તેના માટે – તેના જીવનમાં …! મા જ્યારે પોતાના જ લોહી , પોતાનાં જ સંતાનોની નજરમાંથી ઉતરી જાય છે ત્યારે તે સ્થિતિ ખરેખર અસહનીય બની જાય છે , અને સુમતિ અત્યારે એ જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી …. તેણે શું કરવું તે જ તેને સમજાતું નહોતું …!

તે પ્રથમ પ્રયત્ને જ નોકરી મળી જવાથી ખુશ હતી , અને તે પણ પાછી બોસની પર્સનલ સેક્રેટરી …! પછી શું જોઇએ ? બાકી તેની સાથે ભણતા તેના કરતાં વધારે હોંશિયાર યુવકો અને યુવતીઓ હજુ બેકાર ફરતાં હતાં , તેમાંયે પાછો યૌવનનો ઉન્માદ અને આવેશ હતો …કાંઇક કરી બતાવવાનું જોશ હતું , એટલે તે તો હવામાં જ ઉડતી હતી …! અને બોસની વહાલી થવાનો , વહાલી થઇને પ્રમોશન મેળવવાનો તેમજ પગારવધારો મેળવવાનો પ્રયત્ન કરતી હતી . તેને ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવી હતી , આકાશને આંબવું હતું અને તે માટે તે કાંઇપણ ભોગ આપવા તૈયાર હતી .. અને આ આવેશમાં જ તે લપેટાઇ ગઇ … આમેય સુબોધચંદ્ર તો ઉડતી ચકલીઓ પાડે એવો હતો . તે નોકરીએ લાગી ત્યારે સુબોધચંદ્રની ઉંમર લગભગ 35-37 વર્ષ હશે ..એટલે તેનામાં યૌવનનો જુસ્સો હતો અને તે રૂપનો આશિક હતો એટલે તો તેણે સુમતિને તેના દેખાવના કારણે જ પસંદ કરી હતી , તેને પોતાની જાત ઉપર એટલો બધો આત્મવિશ્ર્વાસ હતો કે કે સુમતિને તો ચપટી વગાડતામાં હસ્તગત કરી શકાશે . , અને એ ખોટો પણ નહોતો … આગળ વધવાની , અને ઝડપથી પૈસાદાર થવાની લાયમાં સુમતિ પોતે જ તેની થવા થનગનતી હતી ત્યાં …! પરિણામે સુમતિને મનાવવામાં સુબોધચંદ્રને ઝાઝી તકલીફ ના પડી …!

સુમતિને યાદ હતી હજુ પણ એ રાત …તેના પતનની પહેલી રાત …! તે સુબોધચંદ્ર સાથે મુંબઇ કોઇક ઇન્ટરનેશનલ કોન્ફોરન્શમાં ભાગ લેવા ગઇ હતી અને એ લોકોએ ફાઇવસ્ટાર હોટલમાં રૂમ બૂક કરાવી હતી તે રાત …! સુબોધચંદ્રની મીઠી મીઠી વાતો અને ખોટાં ખોટાં મોટાં પ્રલોભનોથી તે ભોળવાઇ ગઇ હતી અને જાતે જ પોતાનું શરીર અને સૌંદર્ય તેમના ચરણે ધરી દીધું હતું …! બસ , પછી તો શું જોઇએ ? સ્ત્રી એકવાર પતનના દલદલમાં ફસાઇ જાય છે પછી તેમાંથી બહાર નીકળવાનો ગમે તેટલો પ્રયત્ન કરે છતાં નીકળી શકતી નથી , ઉલ્ટી વધારે ને વધારે ઉંડી ઉતરતી જાય છે ., અને સુમતિ માટે તો કોઇ તેને ટોકનાર હતું નહીં , કોઇ તેને આ અધમ રસ્તે જતાં અટ્કાવનાર નહોતું …! એક મા હતી પણ તે તો તેને નોકરી મળી તેના બીજા જ મહિને પ્રભુને પ્યારી થઇ ગઇ હતી ..! એટલે પછી સુમતિને તો જે રસ્તો યોગ્ય લાગ્યો , પ્રગતિકારક લાગ્યો તે રસ્તે તે આગળ વધવા માંડી …! આમેય સુબોધચંદ્ર પરેણેલા હતા પણ તેમની પત્ની કાયમ બિમાર જ રહેતી હતી , કાયમ જ પથારીવશ રહેતી હતી – થાઇરોઇડ અને ડાયાબિટીસ તથા હાય બી.પી.ની બિમારીઓથી તે ઘેરાયેલી હતી … અરે ! છોકરાંનું ધ્યાન પણ સુબોધચંદ્રને જ રાખવું પડતું હતું . સુબોધચંદ્રે સુમતિને પોતાની રોગિષ્ઠ પત્નીની વાત કરી સાંત્વના આપી હતી કે તેમની પત્ની તો હાલ છે છે અને નથી નથી જેવી છે …! તે ક્યારે મરી જાય તેનું કાંઇ નક્કી નથી અને તે નહીં હોય ત્યારે સુબોધચંદ્ર સુમતિ સાથે સરળતાથી લગ્ન કરી શકશે , એટલે એ લોકો સુબોધચંદ્રની પત્નીના મ્રુત્યુની જ રાહ જોતાં હતાં …પણ એમ કાંઇ કોઇના કહેવાથી કે કોઇના રાહ જોવાથી મોત થોડું જ આવી જાય છે …?! આમને આમ તેમની વચ્ચેનો નાજાયજ સબંધ વધતો જ રહ્યો , કોઇપણ પ્રકારના અવરોધ અને રોકટોક વિના …! સુબોધચંદ્રને તો જે જોઇતું હતું તે મળી ગયું હતું એટલે તે ખુશ હતા , તો સામા પક્ષે સુમતિને પણ મોં માગ્યા પૈસા મળતા હતા અને મોજશોખ કરવાના મળતા હતા એટલે તે પણ ખુશ હતી પણ ….!

પાપનો ઘડો ક્યારેક તો ભરાઇ જાય છે અને ફૂટે છે , પાપ છાપરે ચઢીને પોકારે છે .. તેવું જ થયું તેમના સબંધમાં ..! દર વખતે એ બન્ને જણ ખૂબ જ સાચવતાં હતાં પણ …એક વખત યૌવનના આવેશમાં સાવચેતી વિસરાઇ ગઇ , અને પરીણામ જે આવવું જોઇએ તે જ આવ્યું …! સુમતિને દિવસો ચઢી ગયા , ચેક કરાવ્યું તો ખબર પડી કે તેને ગર્ભ રહ્યો છે , હવે શું ? એનો તો એક જ ઉપાય હતો – એબોર્શન ….પણ ના…. સુમતિ એબોર્શનની વિરૂધ્ધ હતી અને તેની દલીલ તો હતી કે આમેય આપણે વહેલાં મોડાં – સુબોધચંદ્રની પત્નીના મ્રુત્યુ પછી લગ્ન કરવાનાં જ છે પછી આપણા પ્રેમની પ્રથમ નિશાનીનો શા માટે નાશ કરવો ? સુબોધચંદ્રે તેને ખૂબ ખૂબ સમજાવી , પણ તે એકની બે ના થઇ તે ના જ થઇ …! તે કોઇપણ હિસાબે એબોર્શન તો કરાવવા માગતી જ નહોતી .. અને આ તો તેમનું પ્રથમ સંતાન હતું , તેમના પ્રેમની નિશાની … ભલે સુબોધચંદ્ર માટે તે એક રમકડું હતી , પણ તે પોતાની જાતે તો સુબોધચંદ્રને પોતાનો પ્રેમી અને આશિક માનતી હતી …અને વહેલાં કે મોડાં પણ તેઓ લગ્ન તો કરવાનાં જ હતાંને ? પછી ભલા શા માટે પોતાના જ લોહીનો નાશ કરવાનું પાપ કરવું ? તેની તે વખતની દલીલોથી તે સુબોધચંદ્રને તો મનાવી શકી પણ રહી રહીને હવે તેને લાગતું હતું કે તેની એ દલીલો કેટલી ખોખલી હતી ? જો તેણે તે વખતે સુબોધચંદ્રની વાત માની લીધી હોત અને ગર્ભનો નિકાલ કરાવી નાખ્યો હોત તો આજે આ દિવસ જોવાનો ના આવત…! લોપાના પ્રશ્ર્નનો જવાબ આપવો ના પડત …! તે વખતે તો સુમતિને એમ લાગતું હતું કે સુબોધચંદ્રની પત્ની કદાચ એકાદ બે મહિનાની જ મહેમાન છેને ? પછી તો તેઓ લગ્ન કરી જ લેશેને …?! એટલે પોતાનું સંતાન નાજાયજ કે હરામીની ઓલાદ ક્યાંથી ગણાશે ? એ લોકોની એ વખતની ધારણા કેટલી ખોટી હતી અને વાસ્તવિકતા કેટલી નગ્ન અને કડવી હતી તેનો એહસાસ સુમતિને હવે થાય છે ..! સુબોધચંદ્રની પત્ની લાંબું આયુષ્ય જ લખાવીને આવી હશે એટલે તે હજુ પણ જીવે છે …! તેની પુત્રી લોપા પણ પરણાવવા જેટલી થઇ ગઇ તો પણ તેનું મોત હજુ આવ્યું નથી , ભલે રોગિષ્ઠ તો રોગિષ્ઠ … તે હયાત છે …! અરે ! કોઇને કહેવાય નહીં પણ તેને મારી નાખવાના તેણે અને સુબોધચંદ્રએ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કર્યા અને તેમને ત્રણે વખત નિષ્ફળતા મળી .!

આમ ગર્ભપાત કરાવવાનો વિચાર..હા… સુબોધચંદ્રના એ વિચારનો છેદ ઉડાવ્યા પછી તેમના માટે એક જ ઉપાય બાકી રહ્યો હતો – સુબોધચંદ્રની પત્નીના મોતની રાહ જોવા સિવાય એ લોકો કાંઇજ કરી શકે તેમ નહોતાં ..! અને તેનું મોત આઘુંને આઘું જ ઠેલાતું જતું હતું , જ્યારે સામા પક્ષે તો સુમતિની તકલીફો તો વધતી જતી હતી …. એક મહીનો , બે મહિના …. પણ પસાર થઇ ગયા , હવે તો એમનું પાપ છાપરે ચઢીને પોકારતું હતું .. સુમતિનું વધી ગયેલું પેટ તેમનાં કરતુતો અને કાળાં કામની ચાડી ખાતું હતું … હવે તો સુમતિથી બહાર પણ ના નીકળાય અને ઓફિસ પણ ના અવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું … હવે એબોર્શન પણ થઇ શકે એવી હાલત જ નહોતી રહી ..! તેણે સુબોધચંદ્રને અલ્ટીમેટમ આપી દીધું હતું કે હવે આનો કોઇક ઉપાય કરવો જ પડશે , નહીંતર તેણે આપઘાત જ કરવો પડશે ..! પણ તેને આપઘાત કરવાની જરૂર ના પડી …! સુબોધચંદ્રના ફળદ્રુપ ભેજામાંથી એનો પણ ઉપાય મળી આવ્યો . આખરે બિઝનેશમેન હતાને ?! હા…. તેમણે પટાવાળા મલયને ઢગલો પૈસા આપ્યા – તેણે જિંદગીમાં જોયા ના હોય અને જોવા મળવાના ના હોય તેટલા …! તે સમયે તો સાત લાખ રૂપિયા એટલે શું ? અ..ધ…ધ…ધ…રૂપિયા ..! અને મનાવી લીધો – સુમતિ સાથે માત્ર ખોટાં ખોટાં લગ્ન કરવા , સમાજની આંખોમાં ધૂળ નાખવા ..! સુબોધચંદ્રે તેનાં મલય સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યાં , માત્ર એટલું જ નહીં પણ આખુ શહેર મોંમાં આંગળાં નાખી ગયું તેવું આયોજન કર્યું , મીડિયાને પણ બોલાવ્યું અને તેઓ પોતે છાપાંની હેડૅલાઇન્સ બની ગયા – “ જાણીતા ઉધોગપતિ સુબોધચંદ્રએ પોતાના જ પટાવાળા અને પોતાની સેક્રેટરીનું કોઇપણ પ્રકારના ભેદભાવ વગર જ ધામધૂમથી લગ્ન કરાવ્યું અને તેમને ભેટમાં ફલેટ આપ્યો .” આમ આખાય શહેરમાં સુબોધચંદ્રની વાહ વાહ થઇ ગઇ ..પણ સાચી હકીકત તો એ ત્રણ જણ જ જાણતાં હતાં … મલય તો માત્ર ઓડું એટલે કે ડમી હતો … અસલ તો સુબોધચંદ્રનું જ કામ હતું …! પણ આ વ્યવસ્થાથી સુમતિને ફાયદો થયો , તેની આવનારા બાળકની ચિંતા ટળી ગઇ…! હવે આવનાર બાળક હરામીની ઓલાદ કે નાજાયજ બાળક કહેવાશે નહીં , તે મલયનું જ બાળક ગણાશે , તેના નામની પાછળ બાપ તરીકે મલયનું જ નામ લખાશે …!

આટલું બધું વિતવા છતાં , માત્ર તેણે એકલીએ જ નહીં પણ સુબોધચંદ્રએ પણ સહન કર્યું જ હતુંને ? તો પણ તેમના મનમાં પણ ક્યારેય સ્વપ્ને પણ સુમતિને છોડી દેવાનો કે તેને રસ્તે રઝળતી કરી દેવાનો વિચાર સુધ્ધાં ફરક્યો નહોતો – જે તેમનો સુમતિ તરફને પ્રેમ જ હતોને ? અને વાત પણ સાચી જ હતીને ? તેઓ સુમતિને દિલોજાનથી ચાહતા હતા અને તેના વિના એક દિવસ પણ રહી શકતા નહોતા …! નહીંતર તેમની જગ્યાએ બીજો કોઇ હોય તો ક્યારનોય તેનાથી મોં ફેરવી લે . કહેશે તારે જે કરવું હોય તે કર… તું તારા રસ્તે અને હું મારા રસ્તે ..! તેમને તો મનીપાવરથી સુમતિ જેવી તો જોઇએ એટલી યુવતીઓ મળી રહે તેમ હતી ..! પણ સુબોધચંદ્રએ ક્યારેય સુમતિને ઓછું આવે તેવું વર્તન કર્યું નહોતું –અને એ હકીકત જ તેમનો ઉત્ક્રુષ્ટ પ્રેમ દર્શાવતી હતી ..!

મલય સાથે લગ્ન થઇ ગયા પછી તો સુમતિના જીવનમાં આવેલું વાવાઝોડું એકદમ શાંત થઇ ગયું …. હવે તો વાંધો જ નહોતો …મલય તો એ લોકોનો ગુલામ જ હતો અને સુબોધચંદ્ર કહે તેમ જ કરતો હતો એટલે તેમનો તો રસ્તો સાફ થઇ ગયો હતો . પૂરા દિવસે સુમતિએ આ બાળકીને જન્મ આપ્યો , તે પણ સુમતિ જેટલી જ – કદાચ સુમતિ કરતાં પણ વધારે દેખાવડી હતી . લોપા આઠ મહિનાની થઇ , તેના નામની પાછળ હવે વગર રોકટોકે મલયનું નામ લખાતું હતું અને સુભોધચંદ્ર પણ ઓફિસેથી છૂટી સીધા જ સુમતિ પાસે જ આવી જતા હતા , તેમની પત્ની હજુ પણ હયાત હતી ,તેની દેખરેખ માટે નર્સ અને આયા પૂરા સમયનાં રાખી લીધાં હતાં …! તેમનું જીવન શાંતિથી પસાર થઇ રહ્યું હતું .મલય તો કહેવા પૂરતો જ સુમતિનો પતિ હતો , ભલે આ ફલેટ તેના અને સુમતિના નામ ઉપર હતો છતાં તેને આ ફ્લેટમાં આવવાની અને રાત ગુજારવાની પરવાનગી નહોતી , તે તો તેના જુના મકાનમાં જ રહેતો હતો . કુદરત પણ કેવી કેવી કસોટીઓ કરે છે પ્યારની ?! જેના મોતની રાહ જોતાં એ લોકો જીવન ગુજારતાં હતાં તે હજુ પણ રિબાયા કરતી હતી , કદાચ મોત પણ તેનાથી થાકી ગયું હતું અને દૂર દૂર ભાગતું હતું …! એ લોકો પણ વિચારતાં હતાં કે શું આમ જ જિંદગી પૂરી થઇ જશે ? સુમતિ તો ક્યારેક ક્યારેક સુબોધચંદ્રને કહેતી પણ ખરી કે – તમારી પત્નીનું મોત તો કદાચ નહીં જ આવે , પણ તે પહેલાં મારૂં મોત જ આવી જશે …! મારા નસીબમાં તમારી પત્ની બનવાનું લખાયું જ નથી …ભગવાન પણ આપણા પ્રેમની આટલી બધી કસોટી શા માટે કરતો હશે ?! એ લોકો આ એક જ વાતની રાહ જોતાં હતાં … મલય સાથે તો સુબોધચંદ્રે ક્યારનાય છૂટાછેડા લેવડાવી લીધા હતા જેથી તેમની પત્ની ગુજરી જાય એટલે લગ્ન કરી શકાય . પણ સરોવરનાં શાંત પાણીમાં એક નાની કાંકરી નાખવાથી જેમ અગણિત વમળો સર્જાય તેમ લોપાના એક પ્રશ્ર્નથી તેમનાં … અને ખાસ કરીને સુમતિનાં જીવનમાં એવાં વમળો સર્જાઇ ગયાં હતાં કે સુમતિને કે સુબોધચંદ્રને તેનો કોઇ ઉપાય જ દેખાતો નહોતો . તેમણે આવું થશે એવું તો સપનેય વિચાર્યું નહોતું . પ્રશ્ર્ન પૂછીને લોપા તો શાંત થઇ ગઇ હતી પણ સુમતિની તો ઉંઘ જ હરામ થઇ ગઇ હતી . શું જવાબ આપવો કે લોપાને કેવી રીતે સમજાવવી તેનો કોઇ ઉકેલ તેને મળતો નહોતો , તેની રાતોની નીંદ વેરણ થઇ ગઇ હતી , ખાવાનું ભાવતું નહોતું , શું કરવું તે સમજાતું નહોતું ….. ત્યાં ફરીથી મોબાઇલની કર્કશ રીંગે તેના વિચારોમાં ખલેલ પાડી . સુમતિએ નામ વાંચ્યું ,’સ્વીટ હાર્ટ “ તેણે તરત જ મોબાઇલ ઉપાડ્યો , અને સામો છેડો શું બોલે છે તે સાંભળવાની પરવા કર્યા સિવાય જ બોલી ,” આપણા સબંધનું કોઇક નવું નામ શોધીને પછી જ મારો સંપર્ક કરજો ત્યાં સુધી નહીં ..” તેના જ શબ્દો તેના માથામાં ઘણની માફક જ અથડાઇ રહ્યા હતા ..સબંધનું નવું નામ …!