વિધવા : પ્રથમ તો એક માણસ

ગઈકાલે એક સબંધીના ત્યાં મળવા જવાનું થયેલું ત્યારે બાજુમાં સફેદ મંડપ બાંધેલો જોઇને અમસ્તુજ પૂછાઈ ગયું કે કોઈ ઘટના ઘટી લાગે છે અને ભાભીએ ‘હા…’ કહ્યું ત્યાં તો બાએ બોલવાનું શરૂ જ કરી દીધું, હા બેન એક ૩૫ વર્ષનો નાનો દીકરો મર્યો છે. ત્રાસ ત્રાસ થઇ ગયો, નાની દીકરીએ છે ૩ વર્ષની પણ વહુને જુઓં તો જરાયે અસર નથી, બારમાની ક્રિયાના દિવસેય બધાની જોડે જમવા બેઠી, બાર આંગણામાં ફરતી હોય તોય માથે છેડો નથી રાખતી, એની છોડી જોડેય કેવી વાતો કરતી હોય છે!.. જરાય લાજ કે દુઃખ જેવું વર્તાતું નથી. આ સાંભળીને ખરેખર દુઃખ થયું. ના, એ વિધવા સ્ત્રી પર નહીં, આ બાની વાતો પર કે જમાનો આટલો આગળ નીકળી ગયો હોવા છતાં હજી સમાજના ઘણા બધા લોકો આવી પ્રથાઓમાં વિશ્વાસ રાખે છે. નક્કી ન કરી શકાયું કે દયા કોની પર ખાવી, આવી જૂની-પુરાણી વિચારસરણી પર કે વિધવા બનેલી સ્ત્રી પર.

વિધવા સ્ત્રીનું પતિ ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે, એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?

જેનો પતિ અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ન નીકળાય, એનાથી સારા ઉઘડતા રંગના કપડા ન પહેરાય, એનાથી હસીને ન બોલાય, એ જાહેરમાં વાત ન કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ન જમાય, એમાં ગળ્યું તો ખાસ નહીં, એને બધાથી પહેલા ઉઠીને ઠંડા પાણીથી જ નહાઈ લેવાનું અને ક્યાંક તો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ન પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલું જ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વગેરે જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે..!

કોઈ સારા અવસરે વિધવા સ્ત્રી સામે મળવી કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?

એક વિધવા સ્ત્રીને માથે એના ઘર પરિવારની જવાબદારી આવી પડે છે, જો એ મજબૂત નહીં બને તો બીજા બધાનું ધ્યાન કેવી રીતે રાખશે?પતિની ગેરહાજરીમાં એને ઘર સાચવવાનું હોય છે, એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે. નાની ઉંમરમાંજ પતિનો સાથ ગુમાવી બેઠેલ સ્ત્રીઓને ક્યારેક શારીરિક સતામણી જેવી સમસ્યાઓ સામે પણ એકલે હાથ લડવું પડતું હોય છે. આવા સમયે એને મજબૂત બનવું જ પડતું હોય છે, પહેલાથી પણ વધુ.. પતિના અવસાન બાદ ક્યાં સુધી લાચાર બિચારી બનીને બેસી રહે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજૂર નથી.

જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહી નાંખવુ પડે છે. એનાથી પણ વધુ દુખની વાત તો એ છે કે એના સાંભળતા જ વાતો થવા લાગે કે એનાજ પગલા ખરાબ હતા કે વર જીવથી ગયો. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે? એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..

એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે? ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ માણસ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…

– સ્વાતિ બારોટ સિલ્હર, અમદાવાદ

સ્વાતીબેન સિલ્હરનો રીડગુજરાતી પર આ દ્વિતિય લેખ છે. આ પહેલા પણ તેઓ ‘પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે?’ લેખ અહીંં આપી ચૂક્યા છે.

રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી?

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૨ના અંકમાંથી સાભાર)

[ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર અને બાળસાહિત્ય જેવાં સ્વરૂપોમાં લેખન કરનાર સર્જક ‘જયભિખ્ખુ’ના ભાવનાવિશ્વનું આગવી રીતે ઘડતર થયું. કોઈ પણ સર્જક પોતાની આસપાસની પરિસ્થિતિમાંથી ઘણી સ્ફુરણા અને પ્રેરણા પ્રાપ્ત કરતો હોય છે અને એનાથી એનો સર્જનપિંડ રચાતો હોય છે. એ રીતે લેખક જયભિખ્ખુના ભાવનાવિશ્વમાં આવતા પલટાઓને અહીં જોઈએ…]

કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નાં રૂઢિ, વહેમો અને ક્રૂર સામાજિક રિવાજોથી ઘેરાયેલા સમાજમાં બાલ્યાવસ્થામાં જ સર્જક જયભિખ્ખુને સૌથી વધુ શોષિત એવો નારીસમાજ દ્રષ્ટિગોચર થાય છે. પોતાની આસપાસના સમાજમાં બનતી હૃદયવિદારક સામજિક સત્ય ઘટનાઓ યુવાન જયભિખ્ખુના હૃદયમાં રહેલી વેદના-સંવેદનાને સ્પર્શી જાય છે અને પછી એ કથારૂપે પ્રગટે છે. એમના લેખનનો પ્રારંભ થયો નારીવેદનાના ચિત્રણથી. એમની આસપાસની સામાજિક પરિસ્થિતિએ આ લેખકને અનેક સમાજથી કથાઓ લખવાની વિષયસામગ્રી અને આંતરપ્રેરણા આપી.

એમની કલમને વહેવાનો આ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના જૈન ગુરુકુળમાં અભ્યાસ કરતા જયભિખ્ખુને ઈતિહાસનો અનેરો રંગ લાગ્યો. બોરસલીના ઊંચાં ઊંચાં વૃક્ષોની હારમાળા વીંધીને શિવપુરીના ગુરુકુળથી ગ્વાલિયર શહેરમાં જવાનો લાલ માટીવાળો રસ્તો પસાર થતો હતો. લીલું-હરિયાળું ઓઢણું ઓઢીને ધરતી નિરાંતે આરામ કરતી હોય, ત્યારે શિવપુરી-ગ્વાલિયરનો આ લાલ રસ્તો કોઈ સુંદરીમા સૌભાગ્યસેથામાં પૂરેલા સિંદૂર જેવો લાગતો હતો.

ગ્વાલિયરથી ૬૦ માઈલ દૂર ઊંચી ટેકરી પર આવેલું રમણીય પ્રકૃતિથી વીંટળાયેલું શિવપુરી ગામ હતું. એમ કહેવાય છે કે ઈતિહાસમાં એ સીપ્રી નામે ઓળખાતું હતું અને એના રાજાએ એનું નામ શિવપુરી પાડ્યું હતું. આ શિવપુરીની આસપાસ ૧૮૫૭ની સ્વાતંત્ર્યક્રાંતિમાં સરફરોશીની તમન્‍ના સાથે આત્મબલિદાન આપનારા શહીદોનાં જીર્ણશીર્ણ સ્મારકો જોવા મળ્યાં અને લોકમુખે વહેતી વીરગાથાઓ સાંભળવા મળી. શિવપુરીથી રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી માત્ર ૬૦ માઈલ દૂર હતું. આથી ગ્વાલિયરથી શિવપુરીના અનેક લોકો તાત્યા ટોપે અને ઝાંસીની વીરકથાઓ લઈને આવતા હતા. શિવપુરીના ગુરુકુળમાં વીર વિક્રમાદિત્ય હેમુનું પાત્ર ભજવનાર વિદ્યાર્થી જયભિખ્ખુને વીરરસનો રંગ તો લાગ્યો હતો, પરંતુ એ વીરરસની સાથોસાથ આ વાતાવરણે એમના હૃદયમાં સ્વાતંત્ર્યપ્રેમની જ્યોત જગાવી.

વિદ્યાર્થી તરીકે તેઓ ઘણી વાર શિવપુરીથી પગપાળા ગ્વાલિયર ગયા હતા. આ સમયે કોઈ સ્મારક જુએ અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ઝૂઝતો કોઈ વીરપુરુષ કે વીરાંગના એમની નજર સમક્ષ જીવંત બની જતાં!

એક વાર શિવપુરીની પશ્ચિમ તરફના રસ્તાના એક ખૂણે કોઈ અજાણી સમાધિ જોઈ. વિદ્યાર્થી જયભિખ્ખુએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ગ્રામજનો એને ‘ટોપીવાળા વીરની સમાધિ’ કહેતા હતા. એ સમાધિની પડખે નાનકડું રમતિયાળ ઝરણું ખળખળ વહેતું હતું. બે ઊંચાં ઊંચાં તાડ ટટ્ટાર સ્વમાનભેર ઊભાં હતાં. સિંદૂરરંગ્યા બે પથ્થરો અને એની આસપાસ, આમતેમ વેરાયેલાં નાળિયેરનાં કાચલાં, ભીનાશમાં ફરતા કરચલાઓ અને પથ્થર ઉપર ફરકતી નાનકડી જીર્ણશીર્ણ ધજા! ટોપીવાળા વીરની આ સમાધિ તરફ ભાગ્યે જ કોઈની નજર જાય તેવું હતું.

વિદ્યાર્થી જયભિખ્ખુ આ માર્ગેથી પસાર થતા હતા, ત્યારે ગ્રામવાસીએ કહ્યું કે ખબર નથી પડતી, પણ આ સમાધિ પાસે રોજ સમીસાંજે અચૂક લોબાનનો ધૂપ મહેકતો હોય છે અને પ્રાતઃકાળે મીઠી હવામાં કોઈ ઊડતાં, રખડતાં, મોર અને ઢેલ સાથે આવીને અહીં મનોહર કળા કરે છે. અંધારી રાત્રે એકાદ દીપક ક્યાંકથી ઝબકી ઊઠે છે. આછો દીપક, લોબાનની ગંધ અને ઉપરથી બોલાતી ફાઉડી (એક જાતનું શિયાળ) લોકકલ્પનાને ભડકાવતાં હતાં. એમ કહેવાતું કે ગર્ભવતી સ્ત્રીઓ આ સ્થળેથી પસાર થતી નહીં અને બાળકોનાં મનમાં એટલો બધો ડર પેસી ગયેલો કે દિવસે પણ ત્યાં રમવા જતાં નહીં!

આ સમાધિની સામે સરકારી દવાખાનાની મૃતદેહો રાખવાની જગા હતી. ગ્રામજનો એને ‘મડદાંઘર’ તરીકે ઓળખતા હતા અને અંધારી રાત્રે કોઈ મૃત દર્દીના શબને અહીં લાવીને રાખ્યા પછી કોઈ પતિ ગુમાવનારી વિધવા નારી કે પુત્ર ગુમાવનારી માતા અથવા તો દુખિયારી બહેન ઝીણું ઝીણું રડ્યા કરતી હતી. આ રુદનના સ્વરો આ સમાધિના અદ્‍ભુત વાતાવરણમાં ભયાનકતાનો રંગ પૂરતા હતા. નજીકની ઊંચી ટેકરી પર આવેલો ગ્વાલિયર રાજનો હવામહેલ અને એની બાજુમાં આવેલું ગોરા અફસરોનું બિલિયર્ડનું મકાન; એની નજીક અને થોડે દૂર આવેલાં ધરતીમાતાના મુખ પર શીતળાનાં ચાઠાં જેવા ખેડૂતો, ગોવાળો અને મજૂરોનાં ઝુંપડાં હતાં. રાતના આછા અંધકારમાં આ બધું એકબીજા સાથે એવું ભળી જતું કે જાણે કોઈ ભેદી માયાવી સૃષ્ટિ ખડી થતી!

સીપ્રી (શિવપુરી)થી ગ્વાલિયર જવાના આ રસ્તે વિદ્યાર્થી જયભિખ્ખુને અવારનવાર આવવા-જવાનું થતું. આ સ્થળને જોતાં એમના મનમાં એક પ્રકારની અદ્‍ભુતતાનો ભાવ જાગતો હતો. અદ્‍ભુતનુંય આકર્ષણ હોય છે. એ રીતે એમને એના પ્રત્યે આકર્ષણ થતું.

એક વાર ગ્વાલિયર રાજ્યના મુલકી અધિકારી ભાલેરાવજી સાથે આ રસ્તે પસાર થવાનું બન્યું. ભાલેરાવજી ઈતિહાસના ઊંડા અભ્યાસી હતા. બે પથ્થર પર પવનમાં આમતેમ ફરકતી જીર્ણશીર્ણ ધજાને બતાવતાં એમણે કહ્યું, ‘વિદ્યાર્થીમિત્રો, આ શું છે એ તમે જાણો છો?’ વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ‘ના, એની અમને કશી ખબર નથી; પણ એટલી ખબર છે કે જ્યારે જ્યારે આ સ્થળેથી પસાર થયા છીએ, ત્યારે ભયાનકતા અને અદ્‍ભુતતાનો વિલક્ષણ અનુભવ થાય છે.’

ભાલેરાવજીએ કહ્યું, ‘આ સિંદુર ચડાવેલા પથ્થરમાં એક સિંદૂરવદન દેવ સૂતો છે. સિંદૂરવદન દેવ ગણપતિએ જેમ માતાને ખાતર મસ્તક કપાયું હતું. એમ આ સમાધિમાં સૂતેલા વીરપુરુષે માતા સમાન માતૃભુમિને માટે પોતાનું બલિદાન આપ્યું છે.’

વિદ્યાર્થી જયભિખ્ખુએ પ્રશ્ન કર્યો, ‘એટલે આ કોઈ દેવનું સ્થાનક છે?’

‘જેણે બીજાને માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે એ મહાન ગણાય. જેણે પોતાના વતનને માટે પોતાની જાતની કુરબાની આપી, તે દેવ ગણાય.’

‘એ દેવનું નામ શું છે?’ જયભિખ્ખુએ ગંભીર બનીને પૂછ્યું.

‘નરવીર તાત્યા ટોપે.’

‘શું સન ૧૮૫૭નો તાત્યા ટોપે?’

ભાલેરાવજીએ જરા મસ્તક ઊંચું કરીને કહ્યું, ‘હા, સન ૧૮૫૭ની ક્રાંતિના અમર શહીદ તાત્યા ટોપે.’ આટલું કહીને ભાલેરાવજી ટકોર કરી, ‘આજની કેળવણીએ પોતાના વીર પુરુષોને માનપૂર્વક બોલાવવાનુંય ભુલાવ્યું છે. તનની સાથે મનથી પણ ગુલામ બન્યા છીએ. દાસત્વ એ અંતરના સંસ્કારોને કચડી નાખે છે સમજ્યા?’

વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓને પોતાની તોછડાઈ માટે શરમ આવી; પણ ત્યાં તો ગ્વલિયરના ભાલેરાવજીના મુખમાંથી તાત્યા ટોપેની વીરગાથા પ્રગટ થવા લાગી.

‘રોટી અને લાલ કમળનો એ લડવૈયો! સન સત્તાવનના સંગ્રામનો મહાન પરાક્રમ વીર! કાબેલ, કુટનીતિજ્ઞ, વિખ્યાત સેનાપતિ! ચક્રવ્યૂહનો અજબ ખેલાડી! માટીમાંથી મર્દ પેદા કરનારો, કલમબાજમાંથી અજબ કૃપાણધારી; સ્વધર્મ, સ્વદેશ અને સ્વતંત્ર્તાનો પરમ શહીદ!’

વિદ્યાર્થી જયભિખ્ખુના ચિત્તમાં વીર સેનાની તાત્યા ટોપેની યશગાથા ઊભરાવા લાગી. ૧૮૫૭ના સ્વાતંત્યસંગ્રામ-સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મદદે જનાર તાત્યા ટોપેએ કેટલાંય મહત્વનાં નગરો અને ગામડાંઓ પર વિજય મેળવીને ગ્વાલિયરમાં નાનાસાહેબનો ડંકો વગાડ્યો હતો. મેરઠ, દિલ્હી, આગ્રા ઝાંસી અને ગ્વાલિયર જેવાં શહેરોમાં ક્રાંતિની જ્યોતિ જગાવી હતી. આ તાત્યા ટોપે, રાવસાહેબ અને લક્ષ્મીબાઈએ સાથે મળીને ગ્વાલિયર પર વિજય મેળવ્યો હતો અને નાનાસ્સાહેબને પેશ્વા તરીકે જાહેર કર્યા હતા. આ બધાનું સ્મરણ થતાં વાતાવરણમાં તાત્યા ટોપેની વીરતાનો પ્રકાશ ઝળહળતો લાગો અને હવાની મીઠી લહરીમાં સ્વાતંત્ર્યપ્રેમની ભાવનાનું ગુંજન સંભળાયું.

ભાલેરાવજીએ આ વિદ્યાર્થીઓને કહ્યું, ‘તાત્યા ટોપે દેવાસથી આ તરફ આવ્યા હતા અને ગ્વાલિયરના મહારાજા સિંધિયાના સરદાર માનસિંહે દગાબાજી કરીને એમને કેદ કર્યા હતા. આ તાત્યા ટોપેને પ્રથમ સીપ્રી (શિવપુરી) લઈ જવાયા હતા. ૧૮૫૯ની ૧૮મી એપ્રિલે મહાન સેનાની તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી. ક્રાંતિનો ઈતિહાસ વાંચતાં મને આ વીર નરનું સ્મરણ થયું અને નક્કી કર્યું કે જે ભૂમિ પર એને ફાંસી અપાઈ હતી, એ એના દેહવિલોપનની ભૂમિ શોધવી. આખરે આ સ્થળ નિશ્ચિત કરી શક્યા.’

વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓએ પાવન સમાધિ પાસે ગયા. પહેલાં અવાવરું સ્થળે પડ્યા હોય એવા બે બેડોળ પથ્થરો લાગ્યા હતા, હવે એમાં સમર્થ વીરપુરુષની તેજસ્વી છબી જોવા મળી. પથ્થર પરનો સિંદુરનો લાલ રંગ જાણે યુદ્ધમાં ખેલતા અને અંગ્રેજોને હંફાવતા તાત્યા ટોપેની તલવારના લાલ રંગ જેવો લાગવા માંડ્યો. ઉપર ફરકતી જીર્ણશીણ ધજા હવે કોઈ સ્વાતંત્ર્ય માટે કુરબાન થવા નીકળેલા આઝાદી વીરના હાથમાં શોભતી યશપતાકા જેવી લાગી!

ગ્વાલિયર રાજ્યના મુલકી અમલદાર ભાલેરાવજીએ કહ્યું, ‘મારા પ્રિય વિદ્યાર્થીઓ, મારી ઇચ્છા તો અહીં કીર્તિમંદિર ખડું કરવાની હતી, પણ ગુલામ દેશમાં એ શક્ય કઈ રીતે બને? ફંડ એકઠું કરીને એક નાની દેરી ચણાવી; પરંતુ એ એક અંગ્રેજ અમલદારની નજરે ચડી ગઈ, એણે કઢાવી નાખી. રાજદ્રોહીનાં વળી સ્મારક કેવા?

ભાલેરાવજીનો કંઠ રૂંધાઈ ગયો. એમના શબ્દો વેદનામાં ધરબાઈ ગયા. એમણે કહ્યું, “મન તો ઘણુંય હતું પરંતુ મારી સામે બે મુશ્કેલીઓ હતી. એક તો એ કે ગ્વાલિયર રાજ પર અંગ્રેજ શાસન ચાલતું હતું અને બીજું એ કે હું ગ્વાલિયર રાજનો અધિકારી હતો. રાજના નોકરને માટે આવી પ્રવૃત્તિ હાથ ધરવી, એ દેશદ્રોહનું કામ જ ગણાય; આમ છતાં મન સતત બેચેન રહ્યા કરતું હતું. રાતોની રાતો ઊંઘ આવતી નહીં. બસ, મનમાં એક જ સવાલ ઉઠતો કે જેણે આપણે માટે આટલું મોટું બલિદાન આપ્યું, એને માટે આપણે કંઈ ન કરી શકીએ? આપણા બાળકો વીરતાના પાઠ કેવી રીતે ભણશે? આખરે મેં બે પથ્થરોને સિંદુર ચોપડી ત્યાં મૂક્યા. એક બાવાજીને શોધી લાવ્યો. થોડા હોમ-હવન ચાલુ કર્યા પછી તો બાધા-માનતા અને ચમત્કારોની કથા શરૂ થઈ. એ રીતેય મારા વીરના દેહવિલોપનની ભૂમિની નિશાની જાળવી રાખી. લોકો આ સ્થાનને ‘ટોપીવાળા વીરની સમાધિ’ તરીકે ઓળખે છે.”

વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ‘હા, તાત્યા ટોપેનું મૂળ નામ તો રામચંદ્ર પાંડુરંગ ભટ હતું પણ એ તાત્યા ટોપેને નામે જાણીતા થયા હતા.’

ભાલેરાવજીએ કહ્યું, ‘આ પ્રદેશ એ તાત્યા ટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો શૌર્યપ્રદેશ છે. એમની વીરતાએ પ્રજાને ઘડી છે. આજે ભલે દેશ ગુલામ હોય, પરંતુ આવા વીરોનું બલિદાન અને એમની પ્રેરણા આઝાદીનું અજવાળું લાવ્યા વિના રહેશે નહીં.’

ભાલેરાવજીએ પોતાની વાત પૂરી કરી. ત્યાં વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓનું મન ભક્તિભાવથી દ્રવી ગયું. આઝાદીના આ મહાન યોદ્ધાની સમાધિને સહુએ સાથે મળીને વંદન કર્યા અને થોડા સમય પૂર્વ અવાવરું લાગતી જગા પવિત્ર તીર્થધામ સમી લાગવા માંડી.

શિવપુરીના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી જયભિખ્ખુએ જૈનદર્શનની સાથેસાથ આઝાદ વીરોના ચરિત્રોનું આકંઠ પાન કર્યું. તાત્યા ટોપેની સમાધિની જ એ સમયે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પણ જોઈ. ગ્વાલિયરના સ્ટેશનેથી બે માઈલ દૂર આવેલી એક સમાધિના દરવાજે ઢાલ અને તલવારનું પ્રતીક હતું અને અંદર ઓટલા પર તુલસીક્યારો હતો. ગ્વાલિયર સ્ટેશનેથી શહેરમાં જતાં વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓ આ ઓટલા પર બેંસતા, શિંગચણાનો મજાનો નાસ્તો કરતા અને એ કરતાં કરતાં આ સ્થળ પર ભક્તિભાવથી મસ્તક નમાવતા.

એ સમયે ગ્વાલિયર રાજ્યના પુરાતત્વ-ખાતાના એક અમલદાર ગર્દેસાહેબ છત્રપતિ શિવાજીના પરમ પૂજારી હતા. એમના દિલમાં સ્વાભાવિક રીતે જ સ્વદેશાભિમાન ધબકતું હતું. એમની એક ઈચ્છા હતી કે ઝાંસીની રાણી ગ્વાલિયરના સીમાડે દેશને માટે શહીદ થયાં હતાં, એ વીરભૂમિ હું શોધી કાઢું. આને માટે દિવસોના દિવસો સુધી એમણે પ્રયત્નો કર્યા. પોતાની અંગત રકમ ખર્ચીને બધા પુરાવા એકઠા કર્યા. અંતે જગા નક્કી થઈ અને સ્મારક કરવાનો વિચાર કર્યો.

સ્મારકની જગા હતી, એને માટે ધન ખર્ચનાર પણ તૈયાર હતા; પરંતુ ગ્વાલિયર રાજ પોતાના આંગણે, પોતાના કલંકનું સારક થવા દે ખરું? કારણ કે ઝાંસીની રાણીને મદદ કરવાને બદલે ગ્વાલિયરના રાજવી સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો અને એથી જ ઝાંસીની રાણી અને તાત્યા ટોપેએ સાથે મળીને ગ્વાલિયર પર હલ્લો કર્યો હતો અને ગ્વાલિયરને કબજે કરીને નાનાસાહેબને પેશ્વા તરીકે જાહેર કર્યા હતા. અંગ્રેજોના મિત્ર સિંધિયાને નાસી જવું પડ્યું હતું. જોકે એ પછી સર હ્યુ રોઝના લશ્કરે આ આઝાદીપ્રેમીઓને પરાજય આપ્યો હતો.

ગર્દેસાહેબ વિચારમાં હતા કે હવે શું કરવું? એ દરેકને વ્યક્તિગત રીતે મળ્યા. સ્વાતંત્ર્ય માટેની ગર્દેસાહેબની તમન્ના અનોખી હતી. એ સમયે ગ્વાલિયરમાં પ્રધાનમંડળ રાજ કરતું હતું અને ગ્વાલિયરના એક પ્રધાન ભીડેસાહેબ લોકમાન્ય ટિળકના સહાધ્યાયી હતા. આખરે નિર્ણય થયો, ‘રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? કરો સ્મારક!’

અંગ્રેજોનું શાસન હોવા છતાં સ્મારકનું કામ શરૂ થયું. પણ કહેવાય છે કે એક વાર અંગ્રેજ રેસિડેન્ટ ત્યાંથી નીકળ્યો. એની નજર આ સ્મારક તરફ ગઈ. એણે સ્મારકનું બાંધકામ થવા દીધું, પણ રાણી લક્ષ્મીબાઈની મૂર્તિ મૂકવા દીધી નહીં. આથી ગર્દેસાહેબે ત્યાં પવિત્ર એવો તુલસીનો છોડ રોપ્યો.

વિદ્યાર્થીઅવસ્થામાં જયભિખ્ખુ ગ્વાલિયરના આ પ્રદેશોમાં ઘૂમી વળે છે. જૈન ગુરુકુળના વાતાવરણમાં ધર્મસંસ્કારના રંગ રંગાયેલી આબોહવાનો અનુભવ થાય છે તો ગુરુકુળની બહાર આઝાદીની તમન્ના માટે જાનફિશાની કરનારા ક્રાંતિકારીઓનાં દર્શન થાય છે. આનું પરિણામ એ આવ્યું કે જયભિખ્ખુએ ઈતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો અને એથીય આગળ વધીને એમણે ઈતિહાસના સત્યને પામવા માટેનો પ્રયત્ન કર્યો. એમાં પણ સત્તાવનના સ્વાત્રંત્યયુદ્ધ અંગે એમની આગવી દ્રષ્ટિ હતી અને એથી જ ‘ગુલાબ અને કંટક’ કથાસંગ્રહના ‘પ્રવેશ’માં તેઓ લખે છે,

“સત્તાવનનો બળવો અમને શાન-શૌકતનો પણ લાગ્યો છે, ને આપણી લાજશરમનો પણ લાગ્યો છે. જ્યાં અપૂર્વ વીરત્વ નજરે પડ્યું, ત્યાં ઘોર સ્વાર્થંધતા પણ નજરે પડી છે!”

“અંગ્રેજો અમને સદા શત્રુ લાગ્યા નથી. આ ધર્મપ્રેમી દેશને રાષ્ટ્રપ્રેમની ભેટ એ અંગ્રેજોની બક્ષિસ છે. અંગ્રેજો વેપારી, રાજા, ગુરુ, શત્રુ ને અંતે મિત્ર – એમ પંચમૂર્તિ જેવા લાગ્યા છે.”

“પણ સત્તાવનનું સ્વાતંત્ર્યયુદ્ધ ન ઝગ્યું હોત તો હિંદમાંથી મર્દાઈ પરવારી જાત, ભારતીય આત્મા વિનષ્ટ થઈ જાત!”

આમ ગ્વાલિયરના વાતાવરણમાંથી વિદ્યાર્થી જયભિખ્ખુના ઈતિહાસના અભ્યાસનો પ્રારંભ થાય છે. એમાંથી ઈતિહાસકથાઓની રચના થાય છે અને ૧૯૪૪માં આવી કથાઓનો પ્રથમ સંગ્રહ ‘ઉપવન’ને નામે પ્રગટ થયો. એ પછી તો ઈતિહાસ એ એમના અભ્યાસનો એવો વિષય બન્યો કે જેમાંથી કથાઓ અને નવલકથાઓ સર્જાવા લાગી; પરંતુ બન્યું એવું કે ઈતિહાસના આ અભ્યાસે એમને એક નવી દિશા આપી. ઈતિહાસના અભ્યાસમાં એમણે જોયું કે જે બાબતમાં ઘણાને ગુલ (ફૂલ) દેખાયાં, ત્યાં એમને કંટક લાગ્યા અને ઘણાને જ્યાં કાંટા નજરે પડ્યા હતા, ત્યાં એમને ગુલ દેખાયાં. પ્રચલિત ઈતિહાસકારોની સચ્ચાઈ સામે પ્રશ્નાર્થ જાગ્યો.

કોટવેથી મેનહટન – બીજા દિવસે પ્રકરણ-૨

પ્રકરણ-૨

બીજા દિવસે


યુગાન્ડા … જેના વિક્ટોરિયા સરોવરમાંથી મર્ચિસન ધોધના રૂપે દુનિયાની સૌથી લાંબી નદી નાઈલ ઉત્તર તરફ ધસમસતી, કેરોના મહાન ખુફુ પિરામિડને આશ્લેષ કરવા વહેવા લાગે છે.

યુગાન્ડા … પાશવી સરમુખત્યાર ઈદી અમીનનું યુગાન્ડા – જેના એક જ સપાટે પેઢીઓથી સ્થાયી થયેલા ગુજરાતીઓની હકાલપટ્ટી થઈ ગઈ.

યુગાન્ડા … જેના કુખ્યાત એન્ટેબી ઍરપૉર્ટ પર ઇઝરાયલના હાઇજૅક કરાયેલા વિમાનનું બળજબરી ઊતરાણ કરાવવામાં આવ્યું હતું –અને ઇઝરાયલી કમાન્ડોએ વીજળીક ત્વરાવાળા વળતા હવાઈ હુમલા વડે અપહૃત મુસાફરોનો છુટકારો કરાવ્યો હતો.

clip_image002

એ યુગાન્ડાના પાટનગર કમ્પાલાની ગગનચુંબી ઈમારતો અને તેજીલી ચહલપહલની સાવ નજીક જ કોટવેનું જીવતું દોજખ કણસી રહ્યું છે. આમ તો કોઈ પણ મોટા શહેરોના સ્લમ વિસ્તાર જેવી જ એની હાલત છે. કોટવે ચાર ચોરસ કિલોમીટર ક્ષેત્રફળવાળો, આજુબાજુ ટેકરીઓથી ઘેરાયેલો, સાવ નીચાણવાળો અને મૂળ ઝાડીઓથી છવાયેલો વિસ્તાર છે. ૧૯૭૧ પહેલાં તેમાં જંગલી ઘાસની વચ્ચે અસંખ્ય જાતનાં જીવડાં, ગરોળી, દેડકા, વીંછી, સાપ વગેરેનો જ વાસ હતો.

સ્વાભાવિક રીતે ત્યાં કોઈ માણસ રહેવા તૈયાર ન હતું, પણ કોટવેની હાલની પરિસ્થિતિ માટે બ્રિટિશ શાસનના અંત અને યુગાન્ડાની આઝાદી પછીની અરાજકતાઓની પરંપરાઓથી ભરેલો ઇતિહાસ જવાબદાર છે. ૧૯૭૧માં યુગાન્ડાના જુલ્મી સરમુખત્યાર ઈદી અમીન સત્તા પર આવ્યો; પછી તેની જાતિ સિવાયની પ્રજા પરના અત્યાચારોને કારણે ખેતીવાડી અને જંગલની પેદાશ પર નભતી પ્રજાને હિજરત કર્યા વિના કોઈ આરો ન હતો. તેના આઠ વરસના શાસન બાદ પણ દસ વખત સત્તાપલટાઓ થયા છે; અને દરેક વખતે જે જાતિઓ આંતરવિગ્રહમાં હારી હોય; એમની હિજરતોની વણઝાર કોટવે અને તેના જેવા બીજા સ્લમ વિસ્તારોમાં સતત ચાલુ જ રહી છે. હાથ, પગ અને હૈયું જ સાથે લાવેલી એ કંગાળ માનવજંતુઓની થોકબંધ હારોની હારો કોટવેમાં ઊભરાતી રહી છે.

ત્રીસ વરસમાં કોટવેની બધીય ઝાડીઓ અદૃશ્ય બની ગઈ છે અને ગંદાં ઝૂંપડાંઓની માયાજાળ કમ્પાલા શહેરની રૂપકડી ચામડી પર ઉપસી આવેલાં વ્યથાઓનાં ગૂમડાંઓની જેમ છવાઈ ગઈ છે.

આખા કમ્પાલા શહેરની ગટરો એની મધ્યમાં આવેલી નીકમાં ગંદકી છોડી દે છે. વિષુવવૃત્તીય પ્રદેશ હોવાના કારણે દરરોજ વરસાદ એ તેની લાક્ષણિકતા છે, પણ જ્યારે વરસાદ વધારે પડે; ત્યારે એ નીક ઊભરાય અને આજુબાજુનાં ઝૂંપડાંઓ પણ એ નર્કાગારથી બાકાત ન રહે.

એ અભાગિયાંઓના જીવનનું એક જ લક્ષ્ય – સાંજે ‘કસાવા’ મળી જાય (મકાઈનો લોટ શેકીને બનાવેલી રાબડી). જો થોડીક બચત રહે, તો ઝૂંપડાંનું ભાડું ભરવાની આશા રહે; નહીં તો મહિના બે મહિના પછી રસ્તા પર ફેંકાઈ જવાની ભૂતાવળો આખી રાત સપનામાં નાચતી રહે. રાતે વરસાદ પડે તો કાણાંવાળાં પતરાંઓના છાપરામાંથી પથારીને ખસેડ્યા કરતા રહેવાનું; અથવા ઠૂંઠવાતાં ઠૂંઠવાતાં જ, ઊંઘરાટી આંખે વરસાદ બંધ પડે તેની રાહ જોયા કરવાની.

ભાગ્યેજ કોઈ ઘરમાં બાપ રહેતો હશે. એ દુખિયારા સંસારના મધ્યમાં એકલી ‘મા’ જ. ભૂખના હુતાશનમાં શેકાતાં વહાલાં સંતાનોના પેટની આગ શી રીતે શમાવવી; એ જ એની રોજની હૈયાવરાળ. સવારથી રાત સુધી સતત કામ… કામ અને કામ જ. બીજા કશા વિચાર કરવાની એના કમનસીબ જીવતરમાં નવરાશ જ ક્યાંથી હોય ?

૧૪ વરસની કોઈ છોકરી અહીં મા બન્યા વિનાની રહી નથી. ભાગ્યે જ કોઈ લગ્નો થતાં હશે. જન્મેલ બાળકો સહેજ જ મોટાં થાય અને એમનાં નવાં ભાંડુઓની સેવામાં અને મજૂરી કરી માને સહારો આપવામાં લાગી જાય. કદીક તો મા એઈડ્સની બીમારીમાં અવલમંઝિલ પહોંચી જાય; અને મોટાં બાળકો જ તેમના દસકા પહેલાં એમનાં ભાંડુઓનાં વાલી બની જાય.

મા ન હોય તો; કશી તાલીમ કે શિક્ષણ વિનાના મોટા છોકરાઓને શહેરમાં જે આછી પાતળી મજૂરી મળી જાય એમાં ભાંડુઓનું ગુજરાન ચલાવે. કશું ન મળે તો લોકોનાં ખિસ્સાં હળવા કરવામાં માહેર બની જાય. અને શહેરની અંધારી આલમનો કાચો માલ તૈયાર થતો રહે.

તીનપાટિયા ઝૂંપડાનું ભાડું ન ભરાય તો રસ્તો જ એમનો રેન બસેરા. કોઈક નસીબદારની દાદી જંગલ વિસ્તારના ગામડામાં રહેતી હોય તો એમને ત્યાં આશરો મળી જાય; પણ ત્યાં આદિવાસી જીવન સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં. એ આશરો પણ ન રહે ત્યારે ફરી કોટવેના નરકમાં હિજરત.

ગંદકીની ભરમારની સહિયર બીમારી પણ અવારનવાર એમનાં લમણે લખાણી જ હોય ને ? ત્યાં કયા ડોકટર પાસે જઈ શકાય ? જમાના જૂની જંગલી વનસ્પતિના ઉકાળા જ એમની સારવાર; અને ખુદા/ જિસસની મહેરબાની !

***

બીજા દિવસે રોજના નિયમ મુજબ રોબર્ટ તેનો સોકર પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પાદરી મુગેરવાની ઓફિસમાં આવી પહોંચ્યો. પાદરી સાથે ઔપચારિક વાતો પતાવી, ન પતાવી અને તે પોતાના મનની વ્યથા વ્યક્ત કર્યા વિના ન રહી શક્યો.

“સાહેબ ! આ બધી કંગાલિયત આમની આમ જ રહેવાની ? કાલે એક છોકરી માત્ર પોરિજ મળે તે માટે આવી પહોંચી હતી. એની દયામણી હાલત જોઈ મારું હૈયું રડી પડ્યું. બધાં બાળકોએ એની કેટલી બધી ઠેકડી ઊડાવી હતી ? આજે તે જરૂર નહીં જ આવે.”

મુગેરબા પણ યુગાન્ડાની સ્થાનિક જાતિનો હતો; તે આ સ્લમમાં અગણિત દુઃખોમાં કણસતી વસ્તીનાં હૈયાંઓમાં શ્રદ્ધા અને આશાનાં કિરણ પ્રસારવા મથી રહ્યો હતો. તેણે કહ્યું, ”આ માહોલ તો આમ જ રહેવાનો. એમાં કોઈ મીનમેખ ન કરી શકે. હું ત્રીસ વરસથી એનો સાક્ષી છું. ઉલટાની પરિસ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. પણ આપણે જે કામ કરી રહ્યાં છીએ; તેની ઉપર કદીક જિસસની કૃપાદૃષ્ટિ જરૂર અવતરશે અને તે દયાળુ કોઈ ચમત્કાર કરી દેશે – એવી મારી શ્રદ્ધા છે.”

સોકર શિખવાડવાનું પતાવી સાંજે રોબર્ટ મુગેરબાના વરંડામાં પાછો આવ્યો; ત્યારે ફિયોના સૌથી પહેલી ત્યાં હાજર થઈ ગઈ હતી. આજે તેનો દેખાવ કાલ કરતાં ઘણો આકર્ષક હતો ! વાળ કપાયેલા હતા; અને એનું બોડું માથું ઝગારા મારી રહ્યું હતું. નાહીને ઉઘડેલા એના બદન પરની શ્યામલતા સીસમના લાકડાની જેમ ચમકી રહી હતી.

આજે ફિયોનાએ ગ્લોરિયા સાથે ઝટપટ રમવાનું શરૂ કર્યુ અથવા રમવાનો દેખાવ કર્યો. ક્યારે રમત પતે અને ક્યારે ગરમાગરમ પોરિજનો વાડકો હાથમાં આવે, તેનાં જ સપનાં તે ઉઘાડી આંખે જોઈ રહી હતી. રમતની તેની ચાલમાં કોઈ વ્યૂહરચના તો ક્યાંથી હોય ? ગ્લોરિયા સામે આઠેક રમત હારી ગયા બાદ; તેની ધીરજ ઓસરી ગઈ હતી. ફિયોનાની અણઘડ રમતથી ગ્લોરિયા પણ કંટાળી ગઈ હતી.

બન્ને છોકરીઓ બીજા કાબેલ ખેલાડીઓની રમત જોવા માટે તેમના ટેબલ પાસે ગઈ. બેન્જામિન એક બાર વરસના છોકરા સાથે અને ઈવાન એવા જ બીજા છોકરા સાથે રમી રહ્યો હતો. ફિયોનાએ જોયું કે, બન્ને ટીમ બહુ જ સાવધાનીથી રમી રહી હતી અને રમતની બે ચાલ વચ્ચે ઘણો સમય જતો રહેતો હતો. જેમ જેમ બેન્જામિન અને ઈવાનના સાણસા ( Fork) પ્રસરતા જતા હતા, તેમ તેમ સામેના છોકરાના મોં પરનો ઉશ્કેરાટ છાનો રહી શકતો ન હતો; જાણે કે બન્ને પાર્ટીઓ જીવનમરણનો સંઘર્ષ ખેલી રહી હોય, તેવો સન્નાટો છવાઈ ગયેલો હતો.

ફિયોનાને હવે એ રમતમાં રસ પડ્યો. તે મનોમન આ રમતની સરખામણી પોતાના જીવન સાથે કરવા લાગી. દરરોજની વ્યથાઓ, અવનવા ઝગડા, આવી પડેલ નવી આફતોમાંથી છૂટકારો મેળવવાના પેંતરા….. જાણે કે એ બે ટેબલો પર એની જીવનકથા ૮ x ૮ના એ રણમેદાન પર આલેખાઈ રહી હતી.

પણ એક દીવા જેવો ફરક તેની અંદર રહેલી કોઈક સુષુપ્ત શક્તિથી છાનો ન રહ્યો. અહીં બેન્જામિન અને ઈવાન તેના જેવા જ અસહાય અને કંગાળ હોવા છતાં; એ રમતની રાણીની કૂકરી જેવા શક્તિમાન હતા. અહીં બાજી તેમના કબજામાં હતી. અહીં તે બે કુશળ ખેલાડીઓ હારનાર નહીં, પણ વિજેતા બની શકે તેમ હતા.

અને ફિયોનાએ એક મહાન સંકલ્પ કર્યો, ”કાલે નહીં તો બે ચાર દિવસમાં ગ્લોરિયાને હંફાવીને જ રહીશ.”

કોટવેથી મેનહટન – ગંદીગોબરી પ્રકરણ-૧

પ્રકરણ-૧

ગંદીગોબરી


રોબર્ટ દસેક બાળકોની ચેસની રમત જોવામાં મશગૂલ હતો; ત્યાં જ એકાએક તેને લાગ્યું કે બારીમાંથી કોઈ ઝાંખી રહ્યું છે.

તેણે બારી તરફ નજર કરી અને જોયું તો નવેક વરસની એક ગંદી ગોબરી છોકરી આતુરતાથી ચેસના બોર્ડ તરફ જોઈ રહી હતી. તેણે તેને અંદર બોલાવી. ફિયોના અંદર આવતાંની સાથે જ ચેસના એક બોર્ડ તરફ ધસી ગઈ અને પ્લાસ્ટિકના રાજાની સોહામણી લાગતી કૂકરી તેણે ઊઠાવી લીધી અને તેની સુંવાળપ અને આકર્ષક દેખાવને માણવામાં ઓતપ્રોત થઈ ગઈ. હવે બધાં બાળકોની નજર પણ ફિયોનાની તરફ વળી.

ઉઘાડે પગે કોટવેના ધૂળિયા અને કાદવથી ભરેલા રસ્તા પર લાંબે સુધી ચાલવાના કારણે ફિયોનાના પગ પણ કાદવથી ખરડાયેલા હતા. તેનું આખું શરીર કંઈક કેટલાય દિવસથી નહીં નહાવાના કારણે ધૂળ અને પસીનાના થથેડાથી છવાયેલું હતું. તેના જિંથરિયા વાળ કાંઈ કેટલાય દિવસોથી ઓળાયેલા વિનાના અને ધૂળથી ભરેલા હતા. મોટા ભાઈનું ઉતરેલું અને તેના શરીરથી ઘણું મોટું ખમીસ પણ અનેક બાકોરાંઓના શણગારથી કોઈક મોડર્ન આર્ટની જેમ શોભી રહ્યું હતું !

બધાં બાળકો ફિયોનાને ત્યાં ઊભેલી જોઈને ખડખડાટ હસી પડ્યાં.

એ બધાંની લુગાન્ડા ભાષામાં બેન્જામીન બોલીઊઠ્યો, ”એય ગંદી ગોબરી… અહીં તારું શું કામ છે ? ચાલ એકદમ આ રૂમની બહાર જતી રહે.” બધાં બાળકો ફિયોનાની મજાક ઊડાવવાની આ રસીલી રમતમાં જોડાઈ ગયાં.

ફિયોના પણ ક્યાં ઊતરે એવી હતી ? એના મોંમાંથી એ બધાંની ગંદકી વિશેની અને એમના શરીરોમાંથી ફેલાઈ રહેલી દુર્ગંધ માટે ગાળો નીકળવા લાગી. ચારે બાજુથી ભસતા કૂતરાઓથી ઘેરાયેલ વાંદરાના યુદ્ધ ખેલી લેવાના પેંતરાઓની માફક તેણે પોતાની જાતને તૈયાર કરી દીધી.

તરત બ્રાયન બોલી ઊઠ્યો,” ફિયોના ! હું કહું છું ને કે, તું તરત ઘેર જતી રહે. અહીં તારું કશું કામ નથી.” બ્રાયન ફિયોનાનો મોટો ભાઈ હતો; અને તે બહેનની આવી મજાકમશ્કરી સહન ન કરી શક્યો.

રોબર્ટ હવે વચ્ચે પડ્યો. તેણે ફિયોનાને એ ઓરડામાંનાં બાળકોમાં એક માત્ર પાંચ વરસની છોકરી, ગ્લોરિયાની સામે બેસાડી અને તેને ચેસની રમતના પાયાના નિયમો ફિયોનાને શીખવાડવાનું કહ્યું.

જો કે, ફિયોનાને પણ પોતાનાથી ચાર વરસ નાની આ છોકરી પાસે શીખવામાં પોતાનું માન ઘવાતું લાગ્યું; પણ ઓરડાના દૂરના ભાગમાં કેરોસીનના સ્ટવ પર ઊકળી રહેલ પોરિજની સુવાસ અને તે આરોગવા મળવાની લાલચે તે ગ્લોરિયાની સામે પાટલી પર બેસી ગઈ; અને એક પછી એક કૂકરીઓની ચાલ સમજવાની કોશિશ કરવા લાગી.

******

clip_image002

clip_image004

૨૦૦૫ની એ સાલ હતી. દસ જ વરસની ફિયોનાને નિશાળમાં જતાં પહેલાં રોજ સવારે ત્રણ કિલોમીટર દૂરથી ચાર જણના એમના કુટુંબ માટે પાણી ભરી લાવવું પડતું હતું; અને પછી સવારના નાસ્તાની વેળાએ આજુબાજુની ગલીઓમાં રહેતાં થોડાંક તવંગર(!) કુટુંબોને માએ બાફેલી મકાઈ વેચવા જવું પડતું. નિશાળેથી પાછા આવીને પણ આખી સાંજ આ જ કામ. અને જે થોડાક શિલિંગ તે કમાઈ લાવે તેટલો કુટુંબને તેણે આપેલો ટેકો!

સૌથી નાનો રિચાર્ડ તો સવારથી જ માની સાથે આંગળી પકડીને સાથે રહેતો હતો. એને તો ઝૂંપડપટ્ટીની ધૂળિયા નિશાળમાં એકડિયું ભણવાની પણ તક મળી ન હતી. મોટોભાઈ બ્રાયન તેની અને ફિયોનાની મજૂરિયા ટીમનો કેપ્ટન હતો ! પણ થોડા કેટલાક દિવસથી તે સાંજે નિશાળમાંથી છૂટીને ગુલ્લી મારી દેતો હતો. સાંજે રમવાના સમયે મકાઈ વેચવાનું કામ ફિયોનાને એકલા જ કરવું પડતું હતું. તેને હંમેશ નવાઈ લાગતી કે બ્રાયન આમ ક્યાં છટકી જાય છે; અને રાતે બધાંની સાથે કેમ ખાતો પણ નથી ? જરૂર તેને ક્યાંકથી સાંજનું ખાવાનું મળી જતું હશે.

તે દિવસે ફિયોનાએ આ રહસ્યનો ઉકેલ લાવવા નિર્ણય કર્યો. રોજ તો બ્રાયન હાથમાં આવતો જ નહીં; પણ તે દિવસે તેણે પાંચ કિલોમીટર ચાલીને બ્રાયન અને તેના બીજા એક મિત્રનો ચોરીછૂપીથી પીછો કર્યા કર્યો. ઝૂંપડપટ્ટીથી દૂર આવેલા ધૂળિયા મેદાનમાં થોડાક છોકરાઓ સાથે બ્રાયન સોકર રમવા લાગ્યો. ત્રીસેક વરસનો એક ચબરાક લાગતો યુવાન તેમને તાલીમ આપી રહ્યો હતો. તેની એક બાપ જેવી મમતા ફિયોનાને સ્પર્શી ગઈ.

રમત પત્યે બન્ને મિત્રો ત્યાંથી થોડેક દૂર આવેલા અને થોડાક ઠીક લાગતા મકાન તરફ વળ્યા. ફિયોનાને ખબર હતી કે ઝૂંપડપટ્ટીના તીનપાટિયા ચર્ચના પાદરી જ્‍હોન માઈકલ મુગેરવાની ઑફિસ ત્યાં હતી. વચ્ચે બ્રાયનને ખબર પડી ગઈ કે ફિયોના તેમનો પીછો કરી રહી છે. તેણે તેને ઘેર જવા ઠપકારી. ફિયોનાએ પાછા જવાનો દેખાવ તો કર્યો, પણ અડધો કલાક બાદ તે મુગેરવાની ઑફિસના વરંડામાં ઝાંકતી ઊભી રહી ગઈ. તેણે જોયું કે સોકર શીખવતો એ જ પ્રભાવ શાળી યુવાન મકાનના વરંડામાં બધાં ભેગાં થયેલાં છોકરાંવને કશુંક શીખવી રહ્યો હતો.

આ દૃશ્ય તે ચોરીછૂપીથી નિહાળી રહી હતી; ત્યાં જ બ્રાયને તેને પકડી પાડી હતી.

રમતનો સમય પૂરો થયો અને બધાંની સાથે ફિયોનાને પણ પોરિજનો વાડકો ખાવા માટે મળ્યો. ત્યાં કોઈ ચમચાઓ તો હતા જ નહીં. બધાં બાળકો હાથની પાંચે આંગળીઓથી પોરિજ આરોગવામાં મશગૂલ બની ગયાં. ઘેર મળતા લૂખાસૂકા ભોજન કરતાં આ સ્વાદિષ્ઠ વાનગી (!) જમતાં જમતાં સૌના ચહેરા પર મલકાટ છાનો રહી શકતો ન હતો. ફિયોના તો તે સાંજની આ સૌથી આકર્ષક બાબતથી સાતમા આસમાનમાં વિહરવા લાગી.

સૂર્યોદય અને સૂર્યાસ્ત…

રોજ વહેલી સવારે ઉગતા બાળ સુરજના મીઠાં હાસ્યને આખું આકાશ ખુશીની લાલ રંગોળી રચીને વધાવતું હતું ,પંખીઓની મઘુર બોલી થી આગણું ચહેકતું અને બારીને અડેલીને ચડેલી મધુમાલતીની સુગંધ થી વાતાવરણ ભર્યું ભર્યું બની જતું અને તેમાય એક મીઠો ટહુકો મોરને માથે કલગી જેવો શોભતો ટહુકી જતો……

“જીજી શુભ શુભ ” આહા ! એના શુભ શુભમાં બધું શુભ બની જતું જાણે જીંદગીમાં મીઠાસ પ્રસરી જતી . મારો આખો દિવસ આ બે પળમાં મહેકી જતો .

આજે કોણ જાણે સૂર્ય ના ઉગવાની હઠ લઈને બેઠો હતો ,વાદળાઓ પણ તેની જીદમાં સાથ પુરાવતા હોય તેમ અડોઅડ લપાઈને બેઠા હતા.એની અસર કહો કે કઈ બીજું કારણ હોય પંખીઓ પણ સાવ ચુપ હતા,બધુ એનું એજ હતું છતાય આજે ચારેબાજુ ઉદાસી છવાએલી હતી, તેમાય વધારે કરી આજે પેલો ટહુકો હજુય ટહુક્યો નહોતો આથી મન વધારે ઉદાસ બન્યું.

રહી રહી નજર બારી માંથી બહાર ડોકાતી રહી , કોણ જાણે બધું છે છતાં આજે કંઈક અઘૂરું લાગતું હતું.

આજે ગુડ્ડીના “શુભ શુભ ” વિના બધું અશુભ ભાસતું હતું ……

ગુડ્ડી ,બાજુના ઘરમાં ભાડે રહેતા રૂપસિંહની આઠ વર્ષની દીકરી હતી , નામ જેવુ જ તેનું મોહક વ્યક્તિત્વ હતું ,તે બધાની પ્રિય બની હતી તેમાં મારી તો ખાસ ચહીતી .

કોણ જાણે છેલ્લા કેટલાય વખત થી કેવું ગ્રહણ લાગ્યું હતું કે આ કળી ફૂલ બને તે પહેલા કોઈ અસાઘ્ય રોગમાં સપડાઈ ગઈ. કેટલીયે હોસ્પિટલોના પગથીયા ઘસાઈ ગયા અને સાથે સાથે મંદિરના દરવાજે માથા ટેકયા પણ પરિણામ શુન્ય આવ્યું.

ધીરે ધીરે તેના શરીરની ચેતના હણાતી ચાલી છતાં પણ એ રોજ સવારે ટેકે ટેકે “જીજી શુભ શુભ ” બોલી જતી હવે તો આટલું બોલતા પણ શ્વાસ ચડી આવતો છતાં પણ તેનો સવારનો આ ક્રમ ચાલુ રહ્યો હતો, હવે તો તેના આવતા પહેલા હું સામેથી બહાર દોડી જતી અને મારા બે હાથમાં તેને ધ્રુજતા શરીરને ભરી લેતી , કદાચ મારો સૂનો ખોળો થોડીક ક્ષણો ભરાઈને સંતોષના બે શ્વાસ ભરતો હતો.

આજે એ ટહુકા વિના બધું ફિક્કું લાગતું હતું. થોડીક ક્ષણો વધુ રાહ જોઈ. છેવટે ધીરજ ખૂટતા હું દોડીને તેના ઘરમાં ઘૂસી ગઈ “શુભ શુભ ગુડ્ડી ” પણ નીરવ શાંતિ વચ્ચે એકાએક ડુસકા ઉભર્યા ,હું દોડીને બાજુના ઓરડામાં પહોચી ગઈ , મારો અવાજ સાંભળતાં ડચકી ભરતી ગુદ્દીની અધખુલ્લી આંખો થોડીક ક્ષણ મારા ઉપર સ્થિર થઈ અને પછી કાયમને માટે મીચાઈ ગઈ.

ચારેતરફ દર્દભર્યા ડૂસકા છોડતી ગઈ અમારી ગુડ્ડી …..

આટલી બધી ઘૂટન મારાથી સહન ના થઇ શકી અને અચાનક એક ઉબકો આવતા મારે દોડીને ઘર ભેગા થવું પડયું. આ વાત તો છેક મોડી સમજાઈ કે, જે ખોળો છેલ્લા દસ વર્ષથી ખાલી હતો તે આજે ભરાયો હતો મને રોજ “શુભ શુભ કહેવા માટે સ્તો ….

“જિંદગીની આવન જાવન એ કદાચ આનુ જ નામ હશે,આજ સૂર્યોદય અને સૂર્યાસ્ત હશે “

સબંધનું નવું નામ

“ મમ્મી , તારે એ અંકલ સાથે શો સબંધ છે તે તું મને કહીશ ? એ અંકલ દરરોજ આપણા ઘેર કેમ આવે છે ? મારે તમારો સબંધ જાણવો છે ..” કાળજું ચીરી નાખે અને હૈયાની આરપાર નીકળી જાય તેને લોહીથી દદડતું કરી દે એવો ધારદાર સવાલ લોપાએ પૂછ્યો હતો સુમતિને …! સુમતિ ઘડીભર તો અવાચક જ થઇ ગઇ , …. આ હમણાં જ સોળમા વર્ષમાં પ્રવેશેલી છોકરી –તેની પોતાની પુત્રી તેને આવો પ્રશ્ર્ન પૂછશે તેવી તો તેણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય …! લોપાએ તેની માને પ્રશ્ર્ન પૂછતાં તો પૂછી નાખ્યો પણ તેનો જવાબ મેળવવાની રાહ જોયા વિના જ ખભે પર્સ લટકાવી ,” હું ક્લાસમાં જાઉં છું “ કહીને ઘરની બહાર નીકળી ગઇ .

લોપા જતી તો રહી , પણ તેણે પૂછેલો પ્રશ્ર્ન કેટલીયેવાર સુધી એ ખંડમાં પડઘાતો રહ્યો .સુમતિની છાતીમાં અથડાતો રહ્યો . અને એ પ્રશ્ર્નના મારાથી જ સુમતિ દૂરના – લગભગ સોળ-સત્તર વરસ પહેલાંના ભૂતકાળમાં ધકેલાઇ ગઇ …!

એ એરકન્ડીશન્ડ ઓફિસ …. અને તેમાંય મેનેજર-કમ-માલિક સુબોધચંદ્ર …. તેમની પર્સનલ આસિસ્ટન્ટ સુમતિ …! બંધ કેબીન … દરવાજામાં પુશડોર તો ખરૂં જ …પણ સાથે કાયમ લટકતો રહેતો પડદો . બારણાની બહાર બેસી રહેતો મલય …પટાવાળો …! હા…. તેનો એક વખતનો પતિ – દુનિયાની દષ્ટિએ તેનો પતિ તથા આ અબુધ છોકરી લોપાનો બાપ ….. !

તેણે ગ્રેજ્યુએશન કર્યા પછી તરત જ એ કંપનીની પર્સનલ આસિસ્ટન્ટની જાહેરાત આવી હતી , તેણે જે દિવસે જાહેરાત આવી તે જ દિવસે પોતાનું રીઝ્યુમ મોકલી આપ્યું હતું , રીઝ્યુમ પણ તેણે પોતાના હિરોઇન જેવા ફોટાવાળું આકર્ષક બનાવ્યું હતું એટલે … તેણે રીઝ્યુમ મોકલ્યું તેના ચોથા જ દિવસે તેના ઉપર ફોન આવ્યો – રૂબરૂ મુલાકાત માટે બોલાવતો ..! તે આપેલ તારીખે કંપનીની ઓફિસે પહોંચી ગઇ …આમેય તેને નોકરીની તાત્કાલિક જરૂર હતી . બાપ તો હતા જ નહીં …કદાચ તે તેર મહિનાની હતી ત્યારે જ એક એક્સીડંટમાં ખલાસ થઇ ગયા હતા . ગરીબ મધ્યમવર્ગનું કુટુંબ હતું તેનું . મા લોકોને ત્યાં કપડાં-વાસણ અને કચરા-પોતાંનું કામ કરી ઘર ચલાવતી હતી .તેની માની તેને ભણાવવા જેટલી પણ હેસિયત નહોતી પણ …. તે તેની જાતે ભણી હતી એમ કહીએ તો પણ ખોટું નહોતું . સુમતિ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતી એટલે તેની ફી માફ થતી હતી અને ઉપરથી સ્કોલરશીપ મળતી હતી . આ સિવાય પણ તે કોલેજમાં આવી ત્યારથી જ ટ્યુશનો ભણાવતી હતી , એકાદ-બે ક્લાસમાં જતી અને થોડાંક પર્સનલ ટ્યુશન કરી પોતાના ખર્ચા જેટલું કમાઇ લેતી હતી અને એટલે જ તેની માએ ક્યારેય તેના ભણવાની અદેખાઇ કરી નહોતી , તે માને પણ જરૂર પડે તો મદદરૂપ થતી હતી . પરિણામે કોલેજ પૂરી થઇ તે સાથે જ તેણે નોકરી મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા . અને આ પહેલી જ કંપનીમાં તે ઇન્ટરવ્યુ આપવા આવી હતી . બોસની કેબિનની બહાર જ મલય બેઠેલો હતો , તેણે પોતે ઇન્ટરવ્યુ માટે આવી છે એમ કહ્યું એટલે મલય અંદર ગયો . કેબિનની બહાર સુબોધચંદ્રના નામનું બોર્ડ લટકતું હતું , તેના પરથી તેને ખ્યાલ આવી ગયો કે મેનેજરનું નામ સુબોધચંદ્ર છે . તેની આ ઝીણું ઝીણું અવલોકન કરવાની ટેવ પણ તેને તેજ વખતે કામમાં લાગી . તેના અંદર પ્રવેશવાની સાથે જ તેને પૂછવામાં આવ્યું કે “આ કંપનીના મેનેજરનું નામ જાણો છો ? “ તેણે તરતજ કહ્યું ,” ઓફ કોર્સ , મિ.સુબોધચંદ્ર “ બોસ તેની વાક્પટુતાથી અંજાઇ ગયા , અધૂરૂં હતું તે તેના રુપ અને નખરાંએ પૂરૂં કરી નાખ્યું . આમેય સુબોધચંદ્ર શોખીન માણસ હતા અને તેમના શોખ પૂરા કરી શકે તેવી આક્ર્ષક અને રૂપવતી હોય તેવી જ આસિસ્ટન્ટની તેમને જરૂર હતી . સુબોધચંદ્ર જેવી સેક્રેટરી ઇચ્છતા હતા તેવા બધા જ ગુણ તેમને સુમતિમાં પ્રથમ દષ્ટિએ જ દેખાયા .માત્ર એટલું જ નહીં પણ … સુમતિએ પગાર માટે જે ડિમાન્ડ મૂકી તે પણ કોઇપણ જાતના બાર્ગેનીંગ વગર જ મંજૂર કરી દેવામાં આવી . સુમતિ ખુશ હતી , તેની મા પણ ખુશ હતી , તેમને લાગતું હતું કે હવે તેમના દુ:ખના દહાડા પૂરા થશે …! અને તેઓ બે પૈસે થશે …સુખનો સૂરજ ઉગશે …! તેની માને તો હતું કે હવે બહુ જલ્દીથી સુમતિના હાથ પીળા કરી શકાશે ..! પણ ભાવિના ભેદ કોણ ઉકેલી શક્યું છે ? તેની માને ક્યાં ખબર હતી કે તેની એકની એક લાડકવાયી દિકરીના નસીબમાં વિધવા પણ ના કહેવાય અને સધવા પણ ના કહેવાય તેવો વિચિત્ર યોગ લખાયેલો છે અને તેની લાડકીએ છતા પતિએ વિયોગ સહન કરવાનો છે …! ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?! સુમતિની વિચારધારા તો અટકવાનું નામ જ નહોતી લેતી ત્યાં જ તેના મોબાઇલની રીંગ વાગી , તેણે સ્ક્રીન ઉપર નામ વાંચ્યું “ સ્વીટહાર્ટ “ …હા… એટલે કે સુબોધચંદ્ર …. ના… ના… અત્યારે તે સુબોધચંદ્રનો ફોન લેવાના મૂડમાં જ નહોતી …! તેની જ પુત્રી લોપાએ તેના દિલમાં જે આગ લગાડી હતી તે તેને અત્યારે તો એવી દઝાડતી હતી કે ના પૂછો વાત …! તે પોતાના બધા જ હોશકોશ કદાચ ગુમાવી બેઠી હતી એટલે તેણે ફોન કટ કરી નાખ્યો . ખરેખર કેટલી કરૂણ પરિસ્થિતિ ઉભી થઇ હતી તેના માટે – તેના જીવનમાં …! મા જ્યારે પોતાના જ લોહી , પોતાનાં જ સંતાનોની નજરમાંથી ઉતરી જાય છે ત્યારે તે સ્થિતિ ખરેખર અસહનીય બની જાય છે , અને સુમતિ અત્યારે એ જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી …. તેણે શું કરવું તે જ તેને સમજાતું નહોતું …!

તે પ્રથમ પ્રયત્ને જ નોકરી મળી જવાથી ખુશ હતી , અને તે પણ પાછી બોસની પર્સનલ સેક્રેટરી …! પછી શું જોઇએ ? બાકી તેની સાથે ભણતા તેના કરતાં વધારે હોંશિયાર યુવકો અને યુવતીઓ હજુ બેકાર ફરતાં હતાં , તેમાંયે પાછો યૌવનનો ઉન્માદ અને આવેશ હતો …કાંઇક કરી બતાવવાનું જોશ હતું , એટલે તે તો હવામાં જ ઉડતી હતી …! અને બોસની વહાલી થવાનો , વહાલી થઇને પ્રમોશન મેળવવાનો તેમજ પગારવધારો મેળવવાનો પ્રયત્ન કરતી હતી . તેને ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવી હતી , આકાશને આંબવું હતું અને તે માટે તે કાંઇપણ ભોગ આપવા તૈયાર હતી .. અને આ આવેશમાં જ તે લપેટાઇ ગઇ … આમેય સુબોધચંદ્ર તો ઉડતી ચકલીઓ પાડે એવો હતો . તે નોકરીએ લાગી ત્યારે સુબોધચંદ્રની ઉંમર લગભગ 35-37 વર્ષ હશે ..એટલે તેનામાં યૌવનનો જુસ્સો હતો અને તે રૂપનો આશિક હતો એટલે તો તેણે સુમતિને તેના દેખાવના કારણે જ પસંદ કરી હતી , તેને પોતાની જાત ઉપર એટલો બધો આત્મવિશ્ર્વાસ હતો કે કે સુમતિને તો ચપટી વગાડતામાં હસ્તગત કરી શકાશે . , અને એ ખોટો પણ નહોતો … આગળ વધવાની , અને ઝડપથી પૈસાદાર થવાની લાયમાં સુમતિ પોતે જ તેની થવા થનગનતી હતી ત્યાં …! પરિણામે સુમતિને મનાવવામાં સુબોધચંદ્રને ઝાઝી તકલીફ ના પડી …!

સુમતિને યાદ હતી હજુ પણ એ રાત …તેના પતનની પહેલી રાત …! તે સુબોધચંદ્ર સાથે મુંબઇ કોઇક ઇન્ટરનેશનલ કોન્ફોરન્શમાં ભાગ લેવા ગઇ હતી અને એ લોકોએ ફાઇવસ્ટાર હોટલમાં રૂમ બૂક કરાવી હતી તે રાત …! સુબોધચંદ્રની મીઠી મીઠી વાતો અને ખોટાં ખોટાં મોટાં પ્રલોભનોથી તે ભોળવાઇ ગઇ હતી અને જાતે જ પોતાનું શરીર અને સૌંદર્ય તેમના ચરણે ધરી દીધું હતું …! બસ , પછી તો શું જોઇએ ? સ્ત્રી એકવાર પતનના દલદલમાં ફસાઇ જાય છે પછી તેમાંથી બહાર નીકળવાનો ગમે તેટલો પ્રયત્ન કરે છતાં નીકળી શકતી નથી , ઉલ્ટી વધારે ને વધારે ઉંડી ઉતરતી જાય છે ., અને સુમતિ માટે તો કોઇ તેને ટોકનાર હતું નહીં , કોઇ તેને આ અધમ રસ્તે જતાં અટ્કાવનાર નહોતું …! એક મા હતી પણ તે તો તેને નોકરી મળી તેના બીજા જ મહિને પ્રભુને પ્યારી થઇ ગઇ હતી ..! એટલે પછી સુમતિને તો જે રસ્તો યોગ્ય લાગ્યો , પ્રગતિકારક લાગ્યો તે રસ્તે તે આગળ વધવા માંડી …! આમેય સુબોધચંદ્ર પરેણેલા હતા પણ તેમની પત્ની કાયમ બિમાર જ રહેતી હતી , કાયમ જ પથારીવશ રહેતી હતી – થાઇરોઇડ અને ડાયાબિટીસ તથા હાય બી.પી.ની બિમારીઓથી તે ઘેરાયેલી હતી … અરે ! છોકરાંનું ધ્યાન પણ સુબોધચંદ્રને જ રાખવું પડતું હતું . સુબોધચંદ્રે સુમતિને પોતાની રોગિષ્ઠ પત્નીની વાત કરી સાંત્વના આપી હતી કે તેમની પત્ની તો હાલ છે છે અને નથી નથી જેવી છે …! તે ક્યારે મરી જાય તેનું કાંઇ નક્કી નથી અને તે નહીં હોય ત્યારે સુબોધચંદ્ર સુમતિ સાથે સરળતાથી લગ્ન કરી શકશે , એટલે એ લોકો સુબોધચંદ્રની પત્નીના મ્રુત્યુની જ રાહ જોતાં હતાં …પણ એમ કાંઇ કોઇના કહેવાથી કે કોઇના રાહ જોવાથી મોત થોડું જ આવી જાય છે …?! આમને આમ તેમની વચ્ચેનો નાજાયજ સબંધ વધતો જ રહ્યો , કોઇપણ પ્રકારના અવરોધ અને રોકટોક વિના …! સુબોધચંદ્રને તો જે જોઇતું હતું તે મળી ગયું હતું એટલે તે ખુશ હતા , તો સામા પક્ષે સુમતિને પણ મોં માગ્યા પૈસા મળતા હતા અને મોજશોખ કરવાના મળતા હતા એટલે તે પણ ખુશ હતી પણ ….!

પાપનો ઘડો ક્યારેક તો ભરાઇ જાય છે અને ફૂટે છે , પાપ છાપરે ચઢીને પોકારે છે .. તેવું જ થયું તેમના સબંધમાં ..! દર વખતે એ બન્ને જણ ખૂબ જ સાચવતાં હતાં પણ …એક વખત યૌવનના આવેશમાં સાવચેતી વિસરાઇ ગઇ , અને પરીણામ જે આવવું જોઇએ તે જ આવ્યું …! સુમતિને દિવસો ચઢી ગયા , ચેક કરાવ્યું તો ખબર પડી કે તેને ગર્ભ રહ્યો છે , હવે શું ? એનો તો એક જ ઉપાય હતો – એબોર્શન ….પણ ના…. સુમતિ એબોર્શનની વિરૂધ્ધ હતી અને તેની દલીલ તો હતી કે આમેય આપણે વહેલાં મોડાં – સુબોધચંદ્રની પત્નીના મ્રુત્યુ પછી લગ્ન કરવાનાં જ છે પછી આપણા પ્રેમની પ્રથમ નિશાનીનો શા માટે નાશ કરવો ? સુબોધચંદ્રે તેને ખૂબ ખૂબ સમજાવી , પણ તે એકની બે ના થઇ તે ના જ થઇ …! તે કોઇપણ હિસાબે એબોર્શન તો કરાવવા માગતી જ નહોતી .. અને આ તો તેમનું પ્રથમ સંતાન હતું , તેમના પ્રેમની નિશાની … ભલે સુબોધચંદ્ર માટે તે એક રમકડું હતી , પણ તે પોતાની જાતે તો સુબોધચંદ્રને પોતાનો પ્રેમી અને આશિક માનતી હતી …અને વહેલાં કે મોડાં પણ તેઓ લગ્ન તો કરવાનાં જ હતાંને ? પછી ભલા શા માટે પોતાના જ લોહીનો નાશ કરવાનું પાપ કરવું ? તેની તે વખતની દલીલોથી તે સુબોધચંદ્રને તો મનાવી શકી પણ રહી રહીને હવે તેને લાગતું હતું કે તેની એ દલીલો કેટલી ખોખલી હતી ? જો તેણે તે વખતે સુબોધચંદ્રની વાત માની લીધી હોત અને ગર્ભનો નિકાલ કરાવી નાખ્યો હોત તો આજે આ દિવસ જોવાનો ના આવત…! લોપાના પ્રશ્ર્નનો જવાબ આપવો ના પડત …! તે વખતે તો સુમતિને એમ લાગતું હતું કે સુબોધચંદ્રની પત્ની કદાચ એકાદ બે મહિનાની જ મહેમાન છેને ? પછી તો તેઓ લગ્ન કરી જ લેશેને …?! એટલે પોતાનું સંતાન નાજાયજ કે હરામીની ઓલાદ ક્યાંથી ગણાશે ? એ લોકોની એ વખતની ધારણા કેટલી ખોટી હતી અને વાસ્તવિકતા કેટલી નગ્ન અને કડવી હતી તેનો એહસાસ સુમતિને હવે થાય છે ..! સુબોધચંદ્રની પત્ની લાંબું આયુષ્ય જ લખાવીને આવી હશે એટલે તે હજુ પણ જીવે છે …! તેની પુત્રી લોપા પણ પરણાવવા જેટલી થઇ ગઇ તો પણ તેનું મોત હજુ આવ્યું નથી , ભલે રોગિષ્ઠ તો રોગિષ્ઠ … તે હયાત છે …! અરે ! કોઇને કહેવાય નહીં પણ તેને મારી નાખવાના તેણે અને સુબોધચંદ્રએ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કર્યા અને તેમને ત્રણે વખત નિષ્ફળતા મળી .!

આમ ગર્ભપાત કરાવવાનો વિચાર..હા… સુબોધચંદ્રના એ વિચારનો છેદ ઉડાવ્યા પછી તેમના માટે એક જ ઉપાય બાકી રહ્યો હતો – સુબોધચંદ્રની પત્નીના મોતની રાહ જોવા સિવાય એ લોકો કાંઇજ કરી શકે તેમ નહોતાં ..! અને તેનું મોત આઘુંને આઘું જ ઠેલાતું જતું હતું , જ્યારે સામા પક્ષે તો સુમતિની તકલીફો તો વધતી જતી હતી …. એક મહીનો , બે મહિના …. પણ પસાર થઇ ગયા , હવે તો એમનું પાપ છાપરે ચઢીને પોકારતું હતું .. સુમતિનું વધી ગયેલું પેટ તેમનાં કરતુતો અને કાળાં કામની ચાડી ખાતું હતું … હવે તો સુમતિથી બહાર પણ ના નીકળાય અને ઓફિસ પણ ના અવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું … હવે એબોર્શન પણ થઇ શકે એવી હાલત જ નહોતી રહી ..! તેણે સુબોધચંદ્રને અલ્ટીમેટમ આપી દીધું હતું કે હવે આનો કોઇક ઉપાય કરવો જ પડશે , નહીંતર તેણે આપઘાત જ કરવો પડશે ..! પણ તેને આપઘાત કરવાની જરૂર ના પડી …! સુબોધચંદ્રના ફળદ્રુપ ભેજામાંથી એનો પણ ઉપાય મળી આવ્યો . આખરે બિઝનેશમેન હતાને ?! હા…. તેમણે પટાવાળા મલયને ઢગલો પૈસા આપ્યા – તેણે જિંદગીમાં જોયા ના હોય અને જોવા મળવાના ના હોય તેટલા …! તે સમયે તો સાત લાખ રૂપિયા એટલે શું ? અ..ધ…ધ…ધ…રૂપિયા ..! અને મનાવી લીધો – સુમતિ સાથે માત્ર ખોટાં ખોટાં લગ્ન કરવા , સમાજની આંખોમાં ધૂળ નાખવા ..! સુબોધચંદ્રે તેનાં મલય સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યાં , માત્ર એટલું જ નહીં પણ આખુ શહેર મોંમાં આંગળાં નાખી ગયું તેવું આયોજન કર્યું , મીડિયાને પણ બોલાવ્યું અને તેઓ પોતે છાપાંની હેડૅલાઇન્સ બની ગયા – “ જાણીતા ઉધોગપતિ સુબોધચંદ્રએ પોતાના જ પટાવાળા અને પોતાની સેક્રેટરીનું કોઇપણ પ્રકારના ભેદભાવ વગર જ ધામધૂમથી લગ્ન કરાવ્યું અને તેમને ભેટમાં ફલેટ આપ્યો .” આમ આખાય શહેરમાં સુબોધચંદ્રની વાહ વાહ થઇ ગઇ ..પણ સાચી હકીકત તો એ ત્રણ જણ જ જાણતાં હતાં … મલય તો માત્ર ઓડું એટલે કે ડમી હતો … અસલ તો સુબોધચંદ્રનું જ કામ હતું …! પણ આ વ્યવસ્થાથી સુમતિને ફાયદો થયો , તેની આવનારા બાળકની ચિંતા ટળી ગઇ…! હવે આવનાર બાળક હરામીની ઓલાદ કે નાજાયજ બાળક કહેવાશે નહીં , તે મલયનું જ બાળક ગણાશે , તેના નામની પાછળ બાપ તરીકે મલયનું જ નામ લખાશે …!

આટલું બધું વિતવા છતાં , માત્ર તેણે એકલીએ જ નહીં પણ સુબોધચંદ્રએ પણ સહન કર્યું જ હતુંને ? તો પણ તેમના મનમાં પણ ક્યારેય સ્વપ્ને પણ સુમતિને છોડી દેવાનો કે તેને રસ્તે રઝળતી કરી દેવાનો વિચાર સુધ્ધાં ફરક્યો નહોતો – જે તેમનો સુમતિ તરફને પ્રેમ જ હતોને ? અને વાત પણ સાચી જ હતીને ? તેઓ સુમતિને દિલોજાનથી ચાહતા હતા અને તેના વિના એક દિવસ પણ રહી શકતા નહોતા …! નહીંતર તેમની જગ્યાએ બીજો કોઇ હોય તો ક્યારનોય તેનાથી મોં ફેરવી લે . કહેશે તારે જે કરવું હોય તે કર… તું તારા રસ્તે અને હું મારા રસ્તે ..! તેમને તો મનીપાવરથી સુમતિ જેવી તો જોઇએ એટલી યુવતીઓ મળી રહે તેમ હતી ..! પણ સુબોધચંદ્રએ ક્યારેય સુમતિને ઓછું આવે તેવું વર્તન કર્યું નહોતું –અને એ હકીકત જ તેમનો ઉત્ક્રુષ્ટ પ્રેમ દર્શાવતી હતી ..!

મલય સાથે લગ્ન થઇ ગયા પછી તો સુમતિના જીવનમાં આવેલું વાવાઝોડું એકદમ શાંત થઇ ગયું …. હવે તો વાંધો જ નહોતો …મલય તો એ લોકોનો ગુલામ જ હતો અને સુબોધચંદ્ર કહે તેમ જ કરતો હતો એટલે તેમનો તો રસ્તો સાફ થઇ ગયો હતો . પૂરા દિવસે સુમતિએ આ બાળકીને જન્મ આપ્યો , તે પણ સુમતિ જેટલી જ – કદાચ સુમતિ કરતાં પણ વધારે દેખાવડી હતી . લોપા આઠ મહિનાની થઇ , તેના નામની પાછળ હવે વગર રોકટોકે મલયનું નામ લખાતું હતું અને સુભોધચંદ્ર પણ ઓફિસેથી છૂટી સીધા જ સુમતિ પાસે જ આવી જતા હતા , તેમની પત્ની હજુ પણ હયાત હતી ,તેની દેખરેખ માટે નર્સ અને આયા પૂરા સમયનાં રાખી લીધાં હતાં …! તેમનું જીવન શાંતિથી પસાર થઇ રહ્યું હતું .મલય તો કહેવા પૂરતો જ સુમતિનો પતિ હતો , ભલે આ ફલેટ તેના અને સુમતિના નામ ઉપર હતો છતાં તેને આ ફ્લેટમાં આવવાની અને રાત ગુજારવાની પરવાનગી નહોતી , તે તો તેના જુના મકાનમાં જ રહેતો હતો . કુદરત પણ કેવી કેવી કસોટીઓ કરે છે પ્યારની ?! જેના મોતની રાહ જોતાં એ લોકો જીવન ગુજારતાં હતાં તે હજુ પણ રિબાયા કરતી હતી , કદાચ મોત પણ તેનાથી થાકી ગયું હતું અને દૂર દૂર ભાગતું હતું …! એ લોકો પણ વિચારતાં હતાં કે શું આમ જ જિંદગી પૂરી થઇ જશે ? સુમતિ તો ક્યારેક ક્યારેક સુબોધચંદ્રને કહેતી પણ ખરી કે – તમારી પત્નીનું મોત તો કદાચ નહીં જ આવે , પણ તે પહેલાં મારૂં મોત જ આવી જશે …! મારા નસીબમાં તમારી પત્ની બનવાનું લખાયું જ નથી …ભગવાન પણ આપણા પ્રેમની આટલી બધી કસોટી શા માટે કરતો હશે ?! એ લોકો આ એક જ વાતની રાહ જોતાં હતાં … મલય સાથે તો સુબોધચંદ્રે ક્યારનાય છૂટાછેડા લેવડાવી લીધા હતા જેથી તેમની પત્ની ગુજરી જાય એટલે લગ્ન કરી શકાય . પણ સરોવરનાં શાંત પાણીમાં એક નાની કાંકરી નાખવાથી જેમ અગણિત વમળો સર્જાય તેમ લોપાના એક પ્રશ્ર્નથી તેમનાં … અને ખાસ કરીને સુમતિનાં જીવનમાં એવાં વમળો સર્જાઇ ગયાં હતાં કે સુમતિને કે સુબોધચંદ્રને તેનો કોઇ ઉપાય જ દેખાતો નહોતો . તેમણે આવું થશે એવું તો સપનેય વિચાર્યું નહોતું . પ્રશ્ર્ન પૂછીને લોપા તો શાંત થઇ ગઇ હતી પણ સુમતિની તો ઉંઘ જ હરામ થઇ ગઇ હતી . શું જવાબ આપવો કે લોપાને કેવી રીતે સમજાવવી તેનો કોઇ ઉકેલ તેને મળતો નહોતો , તેની રાતોની નીંદ વેરણ થઇ ગઇ હતી , ખાવાનું ભાવતું નહોતું , શું કરવું તે સમજાતું નહોતું ….. ત્યાં ફરીથી મોબાઇલની કર્કશ રીંગે તેના વિચારોમાં ખલેલ પાડી . સુમતિએ નામ વાંચ્યું ,’સ્વીટ હાર્ટ “ તેણે તરત જ મોબાઇલ ઉપાડ્યો , અને સામો છેડો શું બોલે છે તે સાંભળવાની પરવા કર્યા સિવાય જ બોલી ,” આપણા સબંધનું કોઇક નવું નામ શોધીને પછી જ મારો સંપર્ક કરજો ત્યાં સુધી નહીં ..” તેના જ શબ્દો તેના માથામાં ઘણની માફક જ અથડાઇ રહ્યા હતા ..સબંધનું નવું નામ …!

એક ભૂતિયો અનુભવ

આપણે ત્યાં ‘ફાઈવ ડેયસ અ વીક’ થઇ ગયા પછી ખાસ કરીને નાની રજાઓનું પણ સાબદું પ્લાનીંગ થાય છે. એમાંય આજુબાજુની રળિયામણી જગ્યાઓ તો કોઈ ભાગ્યેજ છોડે. થયું એમ કે અમે મિત્રો જમ્યાં પછીની ચા પી રહ્યાં હતા અને કોણ જાણે ક્યાંથી હોન્ટેડ જગ્યાઓની વાતો ચાલી. ભૂતિયા બાબતોમાં ખાસ રસ મને ન હોવાથી મેં જરા ટાળ્યું પણ વાત આવીને ઉભી રહી આપણા સુરત શહેરની. એમાંય ડુમ્મસની. તમને ખ્યાલ હોય તો સારી વાત છે પણ મને આ વાર્તાની જરાય જાણ ન હતી. ‘વાર્તા’ શબ્દ એટલે ઉપયોગમાં લીધો કે ખરેખરના અનુભવ વિના હું મહાભારતને પણ ઉચ્ચતમ કક્ષાની વાર્તા જ માનું છું.

વાત એમ ચાલી કે મુંબઈની MBA કોલેજમાં અભ્યાસ કરતા મારા એક મિત્ર તેમના ફ્રેન્ડ્સ સાથે ડુમ્મસ આવી પહોચ્યા. મુંબઈથી સાવ નજીક અને તેઓના એક સુરતી દોસ્તનું પોતાનુંજ ઘર એટલે પલટને ડુમ્મસનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. જો તમે ન જાણતા હો તો તમારી જાણ માટે કહી દઉં કે, ડુમ્મસ એ દક્ષિણ – પશ્ચિમ સુરતની સરહદે આવેલો અરબી સમુદ્રનો દરીયાકીનારો છે. અને પીકનીક સ્પોટ પણ છે. અહીં અવારનવારની રજાઓમાં સહેલાણીઓનું કીડીયારું ઉભરાતું રહે છે. હા, તો વાત એમ બની કે, ચાર દોસ્તોનું ગ્રુપ રાતના ભોજન પછી કોલેજની આદતે ચાની ચૂસકી લેવા નીકળ્યું અને એમાંથીજ કોઈએ બાજુમાં આવેલા આ દરિયાકિનારાનો ઉલ્લેખ કર્યો અને સહુ લટાર મારવાના બહાને કાળી રેતીના એ સમુદ્રકિનારે આવી પહોચ્યા. રાતના લગભગ અગિયારનો સમય હતો અને ખાસ કોઈ અવરજવર પણ જણાતી ન હતી. દુર સ્વીફ્ટ ગાડીમાં આવેલું બીજું એક દોસ્તોનું ટોળું શોરબકોર કરી રહ્યું હતું પણ અડધો કલાકમાં તેઓ પણ રવાના થયા. આ ચાર મિત્રો રેતીના પટ પર આસન જમાવીને તેમની ક્યારેય ના ખૂટતી રસદાર દલીલોવાળી ચર્ચામાં જામી પડ્યા હતા. એટલામાં જમણી બાજુએ લગભગ 100 મીટરના અંતરે વર્તુળાકારે ઘેરો બનાવી કેટલાક કુતરાઓએ ભસવાનું ચાલુ કર્યું. એકબીજાની દલીલોને ગળાકાપ સ્પર્ધા આપી રહેલા આ ચાર મિત્રોમાંથી એકનું ધ્યાન આ કુતરાઓ પર ગયું. જાણે કોઈ વસ્તુ માટે હક જમાવતા હોય તેમ આ કુતરાઓ એકબીજા પર જ ભોકાણ મચાવી રહ્યાં હતા. એટલામાં આ કુતરાઓનું ટોળું વર્તુળાકારે એક દિશામાં આગળ વધ્યું. સહુના અચરજની વચ્ચે આ ટોળું પાણીની દિશામાં દરિયા તરફ આગળ વધ્યું અને લગભગ પગસમાં પાણીમાં જઈ પહોચ્યું. હવે જાણે તેઓ એકસાથે હવામાં કોઈ અદ્રશ્ય પદાર્થને ભસી રહ્યાં હતા એમ લાગતું હતું. ખેર, ચારેય દોસ્તોને આ વાત જરા અજુગતી તો લાગી જ અને મોડું પણ થઇ ગયું હતું એટલે સહુએ પાછા ફરવાનું નક્કી કર્યું. આ વાતને જો તમે બારીકાઈથી વિચારશો તો અહીં કુતરાઓ પગસમાં પાણીમાં હતા જયારે વાસ્તવિકતાનો વિચાર કરીએ તો કુતરાઓ વરસાદના છાંટા પણ પસંદ નથી કરતા. ખેર, એકાદ વાગ્યાની આજુબાજુનો સમય અને આ દોસ્તોનું ત્યાંથી બહાર નીકળવું. ચાલતા ચાલતા સહુથી છેલ્લે ચાલી રહેલા મિત્રએ (નામે રવિ) તેઓથી બરોબર આગળ ચાલી રહેલા મિત્રને (નામે અભિષેક) ઝડપથી ચાલવા કહ્યું. અભિષેકે મોકાની મજાક ઉડાવી મસ્તી કરતા કહ્યું, “ડર લાગે છે કે શું? ” સ્વભાવે રમતિયાળ રવિએ અભિષેકની કોણી પકડીને અજુગતી ગરમી સાથે ફક્ત એટલોજ જવાબ આપ્યો કે, “પાછળ ડાફોળિયાં માર્યા વગર સીધે સીધો બહાર નીકળ.” અભિષેક મનમાં હસીને તથા રવિના ડરને પામી જઈ કોઈ જવાબ આપ્યા વગર ચાલતો રહ્યો. બહાર આવી ચૂકેલો અભિષેક બીજા દોસ્તો સાથે રસ્તે પસાર થતી ઓટો-રીક્ષાની વેઇટ કરી રહ્યો હતો. અને એટલામાં દુરથી એક રીક્ષા સીધી તેઓ તરફ આવીને ઉભી રહી, અભિષેકના આશ્ચર્યની વચ્ચે એ ઓટોમાંથી રવિ બહાર નીકળ્યો અને સહુ એક પછી એક ઓટોમાં ગોઠવાઈ ગયા. ઘરે પહોચ્યા સુધી અભિષેક દોસ્તોની એજ વાતોના કોલાહલને શાંતિથી સંભાળતો રહ્યો. પણ સુતા પહેલા તેણે બીજા એક દોસ્તને કન્ફયુઝન દુર કરવા પૂછી નાખ્યું અને જવાબ સાંભળતાજ અભિષેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. રસ્તો સુનસાન હોવાથી રવિ ઓટો શોધવા લગભગ પંદરથી વીસ મિનીટ પેહલાજ ત્યાંથી નીકળી ચુક્યો હતો. ડર અને અવિશ્વાસના બમણા આઘાતથી સુન મારી ગયેલા અભિષેકે આખો બનાવ તેના દોસ્તોને કહી સંભળાવ્યો. અને સહુના આશ્ચર્યની વચ્ચે સુરતના રહેવાસી દોસ્તે જણાવ્યું કે લોકોના મોઢે અવારનવાર સમુદ્રકિનારાની ભૂતિયા વાતો સાંભળી હતી અને આજે અનુભવ પણ કરી લીધો.

ખેર, આદતથી મજબુર જયારે મેં પરિસ્થિતિની જડ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો ત્યાંના સ્થાનિક લોકોથી જાણવા મળ્યું કે આ જગ્યાના ઢગલાબંધ કિસ્સાઓ છે. અહીં રાત પછી કોઈ ભાગ્યેજ ફરકે છે. અને નજીકના રહેવાસીઓ અવારનવાર નવા આવતા સહેલાણીઓને તે અંગે ચેતવી પણ દે છે. ઈન્ટરનેટ પર ખાખાખોળા મારતા જાણવા મળ્યું કે ડુમ્મસ ભારતની પહેલી દસ ભૂતિયા જગ્યાઓમાંથી એક છે. અને કુતરાઓનું ભસીને સાવધ કરવું તેમજ વિચિત્ર અવાજો એ મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય છે. કેટલાક કિસ્સાઓમાં તો સહેલાણીઓના ઘૂમ થવાની પણ વાતો છે. વળી, અભિષેક સાથે બનેલ કિસ્સા સાથે સામ્યતા પણ જોવા મળી. મોટા ભાગના કિસ્સાઓમાં એક યા બીજી રીતે અહીંથી ચાલ્યા જવાનો ડરાવતો સંદેશોજ સામાન્ય છે.

આ વાત માનવી કે ન માનવી એ તમારા હાથમાં છે, મેં તો ફક્ત મારી સાથે થયેલો અનુભવ અને કિસ્સો તમને જણાવ્યો. એક તથ્ય એ પણ છે કે, ડુમ્મસના દરીયાકીનારે હિંદુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત શરીરને શાતા આપવામાં આવે છે. અને ભસ્મ ને અહીં પાણીમાં વહાવવામાં આવે છે.

એ કોણ હતી ?

“ ના , ના સાહેબ , મેં કાંઈ નથી કર્યુઁ ? મને કાંઈ ખબર નથી , હું તો એમને ઓળખતો પણ નથી . પ્લીઝ , મને છોડી દો , પ્લીઝ , પ્લીઝ. ” સુહાસીની એ રાજેશ ને ઢંઢોળતા કહ્યું

“ અરે ! અરે ! શું થયું તમને ? કેમ આટલા ગભરાયેલા લાગો છો ? ” પરસેવે રેબઝેબ રાજેશે

“ અરે તમે , તમે તો , તમે તો , તો પછી પેલી લાશ કોની હતી ? “

“ લાશ ? કોની લાશ ? ક્યાં છે લાશ ? “સુહાસીની એ પ્રશ્નનો મારો ચલાવ્યો .

“ ઓહ ! જવા દો એ સ્વપ્ન હશે .” રાજેશ બોલ્યો . સુહાસીનીએ ખભા ઉલાળી પોતાની વોટર બોટલમાંથી રાજેશ ને પાણી આપ્યું અને પછી બંને આડીઅવળી વાતો કરવા લાગ્યા . વાતમાંને વાતમાં મુંબઈ ક્યારે આવી ગયું ખબર જ ના પડી , બોમ્બે સેન્ટ્રલ પર આવજો આવજો કરી બંને છૂટા પડ્યા.

એક મોટા ઓર્ડર માટે મિ.ઐયરને રૂબરૂ મળવું ખૂબ જરૂરી હતું. મિ.ઐયરની ઓફિસમાં પહોંચી એણે િરસેપ્શન પર પોતાનું કાર્ડ આપી વેટિંગ લોન્જમાં બેસી પેપર હાથમાં લીધું . જેવી પહેલા પાના પર નજર પડી ત્યાં મોટા અક્ષરે ફોટા સાથે લખેલ હતું કે ગુજરાત મેલમાંથી મળેલી નવયુવાન સ્ત્રીની એક લાશ . પ્રથમ નજરે જોતાં રાત્રે બે થી ત્રણ ના સમયમાં ખૂન થયું હોવાની સંભાવના લાગે છે . પેપરમાં સુહાસીનીનો ફોટો જોઈને તો રાજેશ એકદમ અવાચક જ થઈ ગયો .તો પછી ટ્રેનમાં વાતો કરી વહેલી સવારે બોમ્બે સેન્ટ્રલ પર એણે કોને આવજો કહ્યું હતું ? એ કોણ હતી ?

પ્રાર્થના એટલે શું?

સામાન્ય શબ્દોમાં પ્રાર્થના એટલે આજીજી કરવી અથવા વિનંતી કરવી. દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈને કંઈ માંગણી કરે છે, ભૌતિક અથવા આધ્યાત્મિક સુખ મેળવવા માટે આજીજી કરે છે અને એટલા માટે પ્રાર્થનાને ઈશ્વર પાસેથી સુખને પામવા માટેની આંતરિક હિંમત માંગવા તરીકે વર્ણવી શકાય છે.

પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ સ્વ-પ્રત્યક્ષીકરણ માટે ત્રણ માર્ગો જણાવે છે. જેમાં પહેલો છે જ્ઞાનનો માર્ગ, બીજો છે કર્મ, એટલેકે કાર્યનો માર્ગ અને ત્રીજો છે ભક્તિ એટલેકે આધિનતાનો માર્ગ.

એ ત્રીજો માર્ગ છે, જે ભક્તિનો માર્ગ છે, જે એક મનુષ્યને પોતાના અહમ, ઘમંડ અને અભિમાનને નાબુદ કરીને સર્વ-શક્તિમાન ઈશ્વરની આધિનતામાં ગરકાવ થઇ જવા માટે માર્ગદર્શન આપે છે અને એટલા માટે ભક્તિ, એ પ્રાર્થનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. નિયમિતપણે પ્રાર્થના કરવાથી મનુષ્યમાં એ વિશ્વાસ વિકસિત થાય છે કે સર્વ-શક્તિમાન ઈશ્વર હંમેશા તેની સાથે છે.

સર્વ-શક્તિમાન ઈશ્વરને યાદ કરવા માટે ઘણીવાર પ્રાર્થના બોલવામાં આવે છે અથવા તો સાથે મળીને ગાવામાં આવે છે. જે મનુષ્યોના ધર્મ સાથેના સંબંધને વિકસાવે છે અને તેથી તેનો અન્ય જીવો સાથેનો સંબંધ પણ વિસ્તરે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાના જુદાં-જુદાં સ્વરૂપો જોવા મળે છે, જોકે તે દરેકમાં એક સમાન સત્વ જ સમાયેલું જોવા મળે છે અને તે છે સર્વ-શક્તિમાન ઈશ્વર પાસે યાચનાઓ કરવાનું.

પ્રાર્થના, એ એક આચરણ છે, જે મનુષ્યની શક્તિ, કરુણા અને ડહાપણની આંતરિક ક્ષમતાને જાગૃત કરે છે. પ્રાર્થનાની એક સુંદરતા એ છે, કે પ્રાર્થના ક્યારે પણ અને કોઈ પણ સ્થળે કરી શકાય છે અને તે દ્વારા, સામાન્ય અને ભૌતિક બાબતોને જાગૃતિના માર્ગમાં પરિવર્તિત કરી શકાય છે અને તે ઊંડા આધ્યાત્મિક જોડાણ વડે મનુષ્યનું જીવન સમૃદ્ધ બને છે.

પ્રાર્થના, યોગ્ય રીતે, સાચા મનોભાવ સાથે અને સ્વ-આધિનતા સહીત ઈશ્વરના સ્મરણ થકી તેની ક્ષમા યાચવા માટે કરવામાં આવે તો તેની અસર કાયમી રહે છે. એકાગ્રતા અને એક મનથી કરેલ પ્રાર્થના પૂરી થઇ ગયા પછી પણ પ્રાર્થીનું મન ઈશ્વરના સ્મરણથી અને આશાઓથી ભરેલું હોય છે જે મનુષ્યને પાપો અને અનિષ્ટ કાર્યોથી વંચિત રાખે છે. આમ, પ્રાર્થના મનુષ્ય માટે એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા સમાન બની રહે છે.

પ્રાર્થનાનું ખરું મહત્વ શું છે? શા માટે પ્રાર્થના કરવી જોઈએ?. ઘણીવાર મનુષ્ય પોતાના માટે, પોતાના સ્વજનો અને સ્નેહીજનો માટે પ્રાર્થના કરે છે, ઘણીવાર કઈ મનગમતું મેળવવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

પરંતુ આ પ્રશ્ન ઓ હજુ પણ પ્રશ્ન જ રહ્યો છે, કે કેટલીવાર મનુષ્ય સારી પરિસ્થિતિમાં, સુખમાં ઈશ્વરને યાદ કરે છે? અથવા તો ઈશ્વરની પ્રાર્થના ત્યારે જ કરે છે જયારે જરૂર હોય અથવા જયારે કોઈ મુશ્કેલીમાં સંપડાઈ ગયા હોય? આપણને એ યાદ કરવું જોઈએ કે આ અપાર કૃપાઓ બદલ છેલ્લે ક્યારે આપણે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો? કે જયારે આપણો આખો દિવસ ખુબ જ સારી રીતે પસાર થઇ ગયો હતો, અથવા તો આપણે કામ પરથી સહી સલામત ઘરે પાછા ફર્યા હતા.

ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તે માટે મનુષ્યએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રાર્થના ફક્ત એક સામાન્ય જરૂરીયાત નથી પરંતુ તે એક ભાવના પણ છે કે જે થકી મનુષ્ય ઈશ્વરની અવિરત મળતી અપાર કૃપાઓ બદલ તેનો આભાર વ્યક્ત કરી શકે.

– દિલશાદ રફિક ચુનારા

ઘરથી મોટું અન્ય કોઈ તીર્થસ્થાન નથી

(‘ધર્મની ટેલિપથી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

તીર્થયાત્રા એ કેવળ ‘પુણ્યસંચય’ પ્રેરિત પ્રવાસકાર્ય નથી પરંતુ અંદરથી પવિત્ર બનવા માટે મન-હૃદયના જરૂરી ફેરફારો કરવાની સંકલ્પબદ્ધતા છે. દેવદર્શન એ દેહાસક્તિ ઘટાડી પોતાનામાં માનવતા અને નિષ્કલંક ચારિત્ર્યશીલતા વિકસાવવા માટેની માનસિક અને ભાવનાત્મક કવાયત છે.

એટલે જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી ‘રોજ-રોજ નદીએ નહાવા જાય, કોયલા ઊજળા ન થાય’ સ્થિતિ રહે તો સ્નાન-ધ્યાન કે દેવદર્શન ફળદાયક બની શકે નહીં. અંદરથી નિષ્કપટ બનવાની પ્રતિજ્ઞા એ દેવદર્શન માટે પ્રસ્થાન કરવાની પૂર્વશરત છે.

તીર્થની સરળ વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે તારે તે તીર્થ, પણ જ્યાં સુધી માણસમાં ‘તરવાની’ એટલે કે આત્મોદ્ધારની પ્રબળ ભાવના વિકસિત થતી નથી, ત્યાં સુધી માણસ તીર્થાટન કર્યા છતાં હતો ત્યાંનો ત્યાં જ રહે છે. મતલબ કે અંતરિક પવિત્રતા વગર દાન, યજ્ઞ, શાસ્ત્ર, શ્રવણ કે તીર્થયાત્રા નિરર્થક બની જાય છે.

‘જાબલદર્શનોપનિષદ’માં એક સુંદર વાત રજૂ કરવામાં આવી છે. “આત્મતીર્થ જ મહાતીર્થ છે, બાકીનાં તીર્થો વ્યર્થ છે.”

માણસ લોભ-લાલચ ન છોડે, અહંકાર ટકાવી રાખે, સંયમ અને સહિષ્ણુતાની ધરાર ઉપેક્ષા કરે, સ્વજન-પરિજનોને પોતાના ક્રોધ અને દુષ્ટ વ્યવહારથી દુભવે, દંભી અને વિષયાસક્ત રહે, વ્યવહારમાં દગાખોરી અને પ્રપંચ આદરે, એવો માણસ એક નહીં ‘અડસઠ તીરથ’ કરે તોપણ તેને કશો જ ફાયદો ન થાય ! એટલે સૌથી શ્રેષ્ઠ તીર્થ તરીકે અંતઃકરણની પરમ શુદ્ધિને મહત્વ પ્રદાન થયું છે.

‘કાશીખંડ’ (સ્કંદપુરાણ)માં વર્ણવ્યા મુજબ ચિત્તમાં મલિનતા ભરેલી હોય તો તે તીર્થસ્થાનમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી ! જેમ મદિરા (દારૂ)થી ભરેલો ઘડો હોય તેને બહારથી વારંવાર ધોયા છતાં તે શુદ્ધ થતો નથી, તેમ દૂષિત અંતઃકરણવાળો માણસ તીર્થસ્નાન કર્યાં છતાં વિશુદ્ધ થતો નથી ! મનનો સંયમ પણ તીર્થ છે અને સંતોષ પણ ઇન્દ્રિય-નિગ્રહ પણ તીર્થ છે અને મધુરવાણી પણ તીર્થ છે. જ્ઞાન પણ તીર્થ છે અને દાન તથા ધૈર્ય પણ તીર્થ છે. ક્ષમા પણ તીર્થ છે અને તીર્થને સ્નાન સાથે નહીં પણ માણસની વૃત્તિ સાથે લેવા-દેવા છે. ‘બગલા ભગત’ બનીને તીર્થાટન કરવું એના કરતાં ઈમાનદાર સંસારી બનીને ગૃહસ્થ ધર્મ અદા કરવો એ વધુ પુણ્યદાયક છે.

‘સ્કંદપુરાણ’માં એ વાત ભારપૂર્વક સમજાવતાં નીચે દર્શાવેલા પાંચ પ્રકારના માણસો તીર્થયાત્રા કરે તોપણ તેમને તેનું ફળ મળતું નથી…

૧. અશ્રદ્ધાળુ ૨. પાપાત્મા ૩. નાસ્તિક અથવા શ્રદ્ધાહીન ૪. સંશયાત્મા ૫. માત્ર તર્કગ્રસ્ત રહેનાર. એનાથી વિપરીત સત્યનિષ્ઠા, ક્ષમાશીલતા, સંયમ, સર્વજીવો પ્રત્યે દયાભાવ, જ્ઞાન, તપ અને મધુરભાષિતા – આ સાત ગુણોને ‘તીર્થસપ્તક’ ગણાવવામાં આવ્યાં છે. કબીર કહે છે તેમ ‘ભીતર વસપુ ધરી નહીં સૂઝે, બાહર ખોજન જાસી ?’ નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ના દર્શન માત્રને ‘તીરથ’ ગણાવ્યું છે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ-નામ શું તાળી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે. આવી પવિત્રતા, નિસ્પૃહિતા, ચારિત્ર્ય, પરોપકાર, સંયમ હોય એવી વ્યક્તિના શરીરમાં – મનમાં – હૃદયમાં જ સર્વ તીર્થો વસેલાં છે.

તીર્થયાત્રા ક્રિયા નથી, સાધના છે, ભ્રમણ નથી, તપ છે, પગલે-પગલે પાવનતા પ્રગટાવવાની પ્રતિજ્ઞા છે. ‘નારદપુરાણ’ માર્મિક રીતે તીર્થનો અર્થ સમજાવતાં કહે છે : “ગંગા વગેરે તીર્થોમાં માછલીઓ (પાણીમાં) નિવાસ કરે છે, દેવમંદિરોમાં પક્ષીવૃંદ રહે છે, પરંતુ તેમનું મન ભક્તિભાવ વગરનું હોવાને કારણે તીર્થસેવન કે દેવમંદિરનિવાસ છતાં કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી ! એટલે હૃદય-કમળમાં શુદ્ધ ભાવ સંચિત કરી એકાગ્રચિત્તે તીર્થ-સેવન કરવું જરૂરી છે.” ‘કાશીપંચક’માં શંકરાચાર્યજીએ તીર્થ પર પ્રકાશ પાડતાં ઉચિત જ કહ્યું છે કે શરીર ‘કાશીક્ષેત્ર’ છે. સર્વવ્યાપી જ્ઞાન ત્રિભુવન-જનની ગંગા છે. ભક્તિ અને શ્રદ્ધા ‘ગયા’ તીર્થ છે. પોતાના ગુરુના ચરણોનું ધ્યાન જ પ્રયાગ છે. અંતરાત્મા એ જ ‘વિશ્વનાથ’ છે. જો મારા દેહમાં આ બધું વસતું હોય તો બીજાં ક્યાં તીર્થો હોઈ શકે ?

જે લોકો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર જેવા આંતરિક શત્રુઓને ગંગામાં ડુબાડીને શુદ્ધ મન સાથે ઘેર પાછા ફરે છે એમની જ યાત્રા ‘તીર્થ’ને લાયક ઠરે છે. નિર્મળ બુદ્ધિવાળા લોકો ‘વિદ્યાતીર્થ’માં, જ્ઞાની લોકો ‘જ્ઞાનતીર્થ’માં, રાજાઓ તલવારની ધાર પર ચાલવા સમાન રાજધર્મ દીપાવીને, યોગીનું તીર્થ ચિત્તમાં, કુળવતી નારીનું તીર્થ ‘સંસાર ધર્મ’ નિભાવવામાં, સમર્પિત રહે છે તે સઘળું પ્રકારાન્તે તીર્થયાત્રાઓ જ ગણાય છે.

દેવી-દેવતાનાં મંદિરો, નદીઓનાં પવિત્ર જળ, મહાપુરુષોનાં સ્મૃતિ મંદિરો ને સમાધિઓ એ બધાં એટલા માટે તીર્થસ્થાન ગણાય છે કે ત્યાંથી માણસને સદ્‍વર્તન, સત્કર્મ અને નિર્મળ ચારિત્ર્યની પ્રેરણા મળે છે. તીર્થયાત્રી એટલે તીર્થયાત્રા બાદ નવોનક્કોર થઈને સંસારમાં પાછો આવેલો માણસ. તીર્થયાત્રી એટલે ‘પુનર્જન્મ’ પામેલો માણસ. જેનું મન ‘ભગવદીય’ થઈ ગયું હોય ! એના હૃદયમાં પ્રેમની પવિત્ર સરિતા વહેતી હોય. તીર્થયાત્રી કાયમ માટે કામ-ક્રોધાદિ દુર્ગુણોથી એટલા માટે મુક્ત નથી થતો કે એણે એક ‘ક્રિયા’ તરીકે ‘તીર્થયાત્રા’ ‘પતાવી’ હોય છે, અંદરથી શુદ્ધ બનવા માટે મનને કેળવ્યું નથી !

દેવ અને તીર્થ સાથે માણસ ‘સ્વાર્થ’નો સંબંધ રાખે છે. ચૂંટણીમાં કે અદાલતના મુકદ્દમામાં જીતવા, દારિદ્ર દૂર કરવા કે મબલક ધન કમાવા, પરીક્ષામાં ઝળહળતી ફત્તેહ માટે કે પ્રેમ અથવા લગ્નમાં સપનાં સાકાર કરવા માટે માણસ દેવાલય કે તીર્થ સ્થાને દોડી જાય તો એવી ‘ગણતરી’ નથી ભક્તિ કે નથી ‘દેવોપાસના !’ આજકાલ તો દેવદર્શન કે તીર્થસ્થળે પણ માણસો ‘વી.આઈ.પી.’ બનીને જાય છે. પરિણામે ‘દેવ’ ગૌણ અને પોતે મુખ્ય બની જાય છે ! દેવ સાથે ‘સોદા’નો નહીં, નિસ્વાર્થ સમર્પણનો નાતો રાખી શકાય. એવું સમર્પણ જ માનસિક શાંતિ અર્પી શકે. હૃદય સંકીર્ણ રહે, મન સંકુચિત રહે, બુદ્ધિ સ્વાર્થોપાસક રહે તો દેવ અને તીર્થના આશીર્વાદ માણસને ક્યારેય મળે-ફળે નહીં.

પાથેય : નિર્મળ અને ચારિત્ર્યશીલ સંસારી બની ગૃહસ્થાશ્રમને દીપાવો તો ઘરથી મોટું અન્ય કોઈ તીર્થસ્થાન નથી !

[કુલ પાન ૧૭૪. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]